News Portal...

Breaking News :

મૂળમાંથી જ સડો... માતા- પિતા- દાદા- ભાઈ- બહેન અને છોકરા- છોકરીઓ જાતે ટ્રાફિક નિયમોના પાલનમાં રોંગ સાઇડ રાજુ... અને વિદ્યાર્થીઓ ભરેલી વાન સર્પાકારે ચાલે ત્યારે જીવ તાળવે ચોંટે...

2024-05-31 18:21:53
મૂળમાંથી જ સડો...      માતા- પિતા- દાદા- ભાઈ- બહેન અને છોકરા- છોકરીઓ જાતે ટ્રાફિક નિયમોના પાલનમાં રોંગ સાઇડ રાજુ...    અને વિદ્યાર્થીઓ ભરેલી વાન  સર્પાકારે ચાલે ત્યારે જીવ તાળવે ચોંટે...


આપણા દેશમાં બધાને બધું સુવ્યવસ્થિત જોઈએ છે.શિસ્તબદ્ધની અપેક્ષા છે.પરંતુ જાતે કોઈ શિસ્ત પાળવાની,વ્યવસ્થા સાચવવાની તૈયારી નથી.અને ટ્રાફિકના નિયમોના પાલનમાં તો કોઈને કોઈની સાડાબારી રાખવી જ નથી.ટ્રાફિક ના નિયમો તો અન્ય વાહન ચાલકોએ પાળવાના હોય, મને તો બધી છૂટ આવું વલણ.રોજ એકાદ ઝગડો પાર્કિંગ કે રોંગ સાઈડ વાહન હંકારવાના લીધે થાય.મારામારી અને પોલીસ ફરિયાદ થાય.કરપીણ ખૂન પણ થઈ જાય.પણ સુધરવું તો નથી જ. 


 આવું કેમ થાય છે? કારણ કે સડો મૂળમાંથી લાગે છે.ઉપરના ભાગે સડો લાગે તો એટલો ભાગ કાપી નાંખો તો બાકીનો ભાગ બચી જાય.પણ મૂળમાંથી સડો લાગે તો કશું ના બચે.
   સંસ્કાર શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં ભારે શૂરવીરતા.પરંતુ શાળામાંથી નૈતિકતા,પ્રમાણિકતા કે સામાજિક વ્યવસ્થાનું શિક્ષણ અને તાલીમ આપવામાં નરી કોચરાઈ.શિક્ષકને એમ કે એ બધું માતાપિતા અને વાલીઓએ આપવાનું.અને સામે પક્ષે એવું કે આ ફરજ તો શિક્ષકોની.પરિણામે વિદ્યાર્થીઓ માટે બાવાના બેઉ બગડ્યા જેવો ઘાટ થાય છે.
   રોંગ સાઇડ વાહન ચલાવીને શાળામાં પ્રવેશ કરવાની નઠારી આદતની વાત કરવી છે.ટ્રાફિકના નિયમો પ્રમાણે યોગ્ય સાઈડે વાહન હંકારી,જ્યાં ક્રોસિંગ હોય ત્યાંથી વાહન સામી બાજુએ લઈ,સાવચેતીથી હંકારીને શાળામાં પ્રવેશ કરવો.પણ આવું કરવાની ફુરસદ ક્યાં છે? પરિણામે સો,બસો કે ત્રણસો મીટર દ્વિચક્રી કે ચાર ચક્રી વાહન,સાયકલ હંકારીને ખોટી બાજુએથી શાળામાં પ્રવેશ કરવાની તો જાણે આદત પડી છે.સંતાનોને વહેલી સવારે શાળામાં મુકવા કે છૂટયા પછી ઘેર લઈ જવા આવતી મમ્મીઓ,મોટા ભાઈ કે બહેન,પપ્પા અને દાદા..બધા જ રોંગ સાઈડ રાજુ બનવાનું ગૌરવ અનુભવે છે.સામેથી આવતા વાહનોની દિશામાં વાહન હંકારવું જોખમી છે.બીજું કે જે રાહદારીઓ રસ્તાના કિનારે ચાલી રહ્યા છે એમને પાછળથી અથડાઈ જવાનું જોખમ રહે છે.પણ સમય કોઈની પાસે નથી.એટલે આ શોર્ટ કટ બધા અપનાવે છે.છોકરા - છોકરીઓ જેઓ સાયકલ પર આવે છે એ પણ આ ખોટી આદત થી બાકાત નથી.અને સ્કૂલ વર્દી વાન ચાલકોને વિદ્યાર્થીઓની સંખ્યા કે ટ્રાફિકના નિયમો,કોઈ કાયદો લાગુ જ પડતો નથી.
   શિક્ષક - શિક્ષિકાઓ  આવું જ કરે છે.એટલે ગુરુજી જાતે ગોળ ખાતા હોય તો શિષ્યોને ગોળ છોડવાનું કેવી રીતે કહી શકે? અને આ ખોટી અને ટ્રાફિક ને અડચણ કરનારી,અકસ્માતનું જોખમ સર્જનારી આદત થોડીક કોચરાઇ નું પરિણામ છે.
  પરિવાર ચાર રસ્તાથી સોમા તળાવ જવાના રસ્તે પહેલા વલ્લભ વિદ્યાલય અને પછી ssv સ્કૂલ આવેલા છે.ડી માર્ટ રોડ પર રહેતા કે સામેની બાજુએ આવેલી સોસાયટીઓમાં રહેતા વાલીઓના સંતાનો આ શાળાઓમાં ભણે છે.
   ડી માર્ટ તરફથી છોકરાઓને મૂકવા આવતા વાલીઓ કે સાયકલ,સ્કૂટર સવાર વિદ્યાર્થીઓ એ કાયદેસર રીતે ગુરુકુળ ચાર રસ્તા સર્કલથી વળાંક લઈ સામેના રસ્તે વાહન ચલાવીને પેટ્રોલ પંપ ચાર રસ્તા થી વળી ને પોતાની શાળામાં પ્રવેશ કરવો જોઈએ. એ રીતે રસ્તાની પૂર્વમાં આવેલી સોસાયટીઓમાંથી શાળા તરફ આવતા બધાએ આ નિયમ પાળવો જોઈએ.પણ નથી પળાતો.પરિણામે એક જ રસ્તા પર સામસામે વાહનો ચાલે છે.આ તો દાખલો આપ્યો છે બાકી બધી જ શાળાઓની આસપાસ આવું થાય જ છે.
   રસ્તો બનાવનાર મનપા ખૂબ ઉદાર છે. દર ૨૦/૩૦ મીટરે ઉદારતાથી કટ પાડી આપે છે .ના પાડે તો વિસ્તારના નગર સેવકો દાદાગીરીથી પડાવે છે.ઘણીવાર નાગરિકો જાતે અનુકૂળતા અનુસાર કટ પાડી દે છે અને આ કાયદો હાથમાં લેનારાઓ ની સુરક્ષામાં નગર સેવકોથી લઈને બધા આગેવાનો તૂટી પડે છે એટલે મનપાના લોકો આંખ આડા કાન કરે છે.
   રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ સેફ્ટી નીતિ ઘડવા અને અમલમાં મૂકવામાં આવી છે.એમાં આ બાબત સમાવી લેવામાં આવી છે કે નહિ એની ખબર નથી.
  પરંતુ તાજેતરમાં એવી સૂચનાઓ આપવામાં આવી છે કે વેન કે રિક્ષામાં ચાલકો વધુ બાળકો બેસાડશે તો જવાબદારી શાળા સંચાલકોની રહેશે.પ્રાથમિક શિક્ષણ નિયામકે ઉનાળાની રજાઓ પછી શાળાઓ શરૂ થાય તે પહેલાં બાળકોની સલામતીની વ્યવસ્થાઓ ચકાસી લેવા તાકીદ કરી છે.ગેમ ઝોનની અસરથી અંતરાત્મા ની આ જાગૃતિ આવી છે.


  ત્યારે આ રોંગ સાઈડ રાજુ વૃત્તિ ને સુધારવા એ જ ધારાધોરણ અમલી બનાવવાની જરૂર છે.
   શાળાઓમાં બાળકોને મૂકવા આવતા વાહનો ખોટી દિશામાંથી શાળાઓમાંના પ્રવેશે એની જવાબદારી શાળા સંચાલકોને સોંપવાની જરૂર છે .
   શાળાના શિક્ષકો અને કર્મચારીઓની ટીમ જ્યાંથી ખોટો પ્રવેશ થાય છે ત્યાં ઊભા રહીને વાલીઓ અને વિદ્યાર્થીઓ અને વાન/ રિક્ષા ચાલકોને યોગ્ય રસ્તે શાળામાં આવવા સમજાવે તો વધુ અસર પડે.
  થોડા દિવસ આવી કવાયત પછી શાળા સૂચના મૂકે કે જે ખોટી બાજુએ થી પ્રવેશ કરશે એને રૂ.૫૦/૧૦૦ દંડ ભરવો પડશે.અને પછી શાળાના પ્રવેશ દ્વારે જ શિક્ષકોની ટીમ દ્વારા આ કાર્યવાહી કડક રીતે કરવામાં આવે તો સાચી આદત કેળવાઈ જાય.એકાદ મહિનો સતત આ કવાયત કર્યા પછી સમયાંતરે આકસ્મિક ચકાસણી જ કરવાની રહે.
   અને સ્કૂલ વર્દી વાહન ચાલકો સામે વધુ કડકાઈ આચરવાની જરૂર છે જ.આ લોકો એક તો ઠસોઠસ વિદ્યાર્થીઓ ભરે છે,ગેસ બાટલા ઉપર બેઠક રાખે છે અને રોંગ સાઈડથી ખૂબ ઝડપી,સર્પાકારે વાહન ચલાવે છે.સી.સી.ટી.વીના આધારે પોલીસ તંત્ર પણ તેમની સામે કાર્યવાહી કરી શકે.
   આવું નથી થતું.કારણ કે હજુ કોઈ મોટો અને જીવલેણ અકસ્માત નથી થયો! એવું કશુંક થાય અને બેચાર માસુમો જીવ ગુમાવે એની જાણે કે બધા રાહ જોઈ રહ્યા છે.એવું થશે પછી થોડો સમય અંતરાત્મા જાગશે,ચેતના આવશે અને પછી બધું હતું તેમનું તેમ...!!

Reporter: News Plus

Related Post