શહેરના લાલબાગ ફ્લાય ઓવર પર થયેલી રિસફેસીંગની કામગીરી બાદ ગરમીને લીધે ડામર પીગળતા અકસ્માતનો ભય ઉભો થયો છે. રસ્તા પરનો ડામર પીગળી જવાને કારણે વાહનો લપસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ
થયુ છે. જેને કારણે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે ડામરની ઉપર રેતી નાંખવાની કામગીરી શરૂ કરી છે. નવા બનેલા રોડ પર ડામર પીગળી જવાની ઘટના ખરેખર આશ્ચર્યજનક છે. રોડના કામમાં હલકી ગુણવત્તાના ડામરનો ઉપયોગ
થયો હોવાનુ લોકોનું માનવુ છે.
નવા રોડ પર ડામર પીગળી જાય તે વાત નવાઈ ઉપજાવે તેવી છે. લાલબાગ ઓવરબ્રીજની કામગીરી પૂર્ણ થયાને હજી ગણતરીના દિવસો થયા છે ત્યાં જ રોડ પર ડામર પીગળી જતા અનેક સવાલો ઉભા થયા છે. ચોંકાવનારી
વાત તો એ છે કે, જ્યારથી રોડ પર ડામર પાથરવામાં આવ્યો છે ત્યારથી ગરમીનું પ્રમાણ પણ ઘટ્યુ છે. આવી સાધારણ ગરમી તો વડોદરામાં બારેમાસ જોવા મળે છે. અને આવી નજીવી ગરમીમાં નવો બનેલો રોડ પીગળી જાય
એનાથી મોટું આશ્ચર્ય શું હોઈ શકે ? ખેર, આવા નવાઈના રોડના કોન્ટ્રાક્ટર અને એને મંજૂર કરનારા અધિકારીઓ સામે તપાસ કરવાની લોકો માંગણી કરી રહ્યા છે. આટલી ઓછી ગરમીમાં ડામર કેવી રીતે પીગળે? એનો
અભ્યાસ કરવાની માંગણી પણ લોકો કરી રહ્યા છે.
Reporter: News Plus