પવિત્ર ચૈત્ર માસમાં પદયાત્રામાં ચાર યુવકો પાવાગઢ મંદિરે દર્શન કરવા નિકળ્યા હતા. દરમિયાન રસ્તામાં યાત્રીઓ માટે તૈયાર કરવામાં આવેલા વિસામામાં મોબાઇલ ચાર્જ કરવા માટે મુક્યા હતા. મળસ્કે ઉઠીને જોતા જ મોબાઇલ ગાયબ હતા
આ અંગે આસપાસમાં તપાસ કરતા કંઇ હાથ લાગ્યું ન્હતું. આખરે ઉપરોક્ત મામલે સાવલી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.વડોદરાના સાવલી પોલીસ મથકમાં સ્મિતકુમાર ગુણવંતભાઇ પટેલ (ઉં. 21) (રહે. મરીડા પટેલ ખડકી – ખેડા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે હોટલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. 20, એપ્રીલના રોજ તે નાના ભાઇ તથા ગામના પરિચીત સાથે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પગપાળા નિકળ્યા હતા. બીજા દિવસે સવારે તમામ સાવલી પહોંચ્યા હતા. બાદમાં તમામ સાવલીના ભીમનાથ મહાદેવના મંદિરે આરામ કરવા માટે રોકાયા હતા. પછી સાંજે પાંચ વાગ્યાના આરસામાં પદયાત્રા શરુ કરી હતી. દરમિયાન આંકલીયા ગામે મહાકાળી માતાજીના મંદિરે પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન રાખવામાં આવ્યું હતું.વિસામામાં મંડપ બાંધ્યો હતો. અને મોબાઇલ ચાર્જિંગ માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.
. ત્રણ પદયાત્રીઓએ તેમાં મોબાઇલ ચાર્જ કરવા મુક્યા હતા. અને સુઇ ગયા હતા. મળસ્કે દોઢ વાગ્યે ઉઠીને જોતા ત્રણ મોબાઇલ મળી આવ્યા ન હતા. બાદમાં એકબીજાને ઉઠાડ્યા હતા. અને આસપાસમાં શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ મોબાઇલ મળી આવ્યા ન્હતા. બાદમાં તેઓ પાવાગઢ દર્શન કરવા માટે જતા રહ્યા હતા.જે તે વખતે મોબાઇલનું બિલ ન હોવાના કારણે ફરિયાદ કરવામાં આવી ન હતી. આજદિન સુધી મોબાઇલ ન મળી આવવાના કારણે સીટીઝન પોર્ટલમાં ઇ એફઆઇઆર કરવામાં આવી હતી. જેના અનુસંધાને સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Reporter: News Plus