News Portal...

Breaking News :

જેતલપુર રોડ પરના રહેવાસીને૧૩.૪૫ લાખના વીજ બિલ ફટકાર્યું

2024-05-31 09:44:10
જેતલપુર રોડ પરના રહેવાસીને૧૩.૪૫ લાખના વીજ બિલ ફટકાર્યું


શહેરમાં સ્માર્ટ વીજ મીટરો સામે લોકોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લાગ્યા બાદ જેતલપુર વિસ્તારમાં રહેતા એક સામાન્ય ગ્રાહકને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ૧૩.૪૫ લાખ રુપિયાના વીજ બિલ ફટકાર્યું હોવાનો મેસેજ મોકલવામાં આવ્યો છે.


દરમિયાન વીજ કંપનીનુ કહેવુ છે કે,આ ભૂલથી મોકલાયેલો મેસેજ છે અને આ ગ્રાહકનું તા.૩૦ મેના રોજ બાકી પડતુ બિલ ૨૪૮ રુપિયા છે.જેતલપુર વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગીય ઈબ્રાહિમખાન પઠાણ નામના વીજ ગ્રાહક આજે અલકાપુરીની વીજ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે,મારા પરિવારમાં ચાર દીકરીઓ છે અને લાઈટ તથા પંખાને બાદ કરતા વધારે વીજ વપરાશ થાય તેવા કોઈ ઉપકરણો નથી. બોરિંગમાંથી પાણી ખેંચવા માટે ૧૫  મિનિટ મોટર ચાલે છે. સામાન્ય રીતેઅગાઉ બિલ ૨૫૦૦ રુપિયાની આસપાસ આવતુ હોય છે,પણ તાજેતરમાં મને વીજ કંપનીએ મોકલેલા મેસેજમાં બાકી પડતુ વીજ બિલ ૧૩.૪૫ લાખ રુપિયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.



તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ બિલને લઈને મેં છેલ્લા પંદર દિવસમાં વીજ કંપનીની કચેરીમાં વારંવાર રજૂઆત કરી છે પણ મને યોગ્ય જવાબ મળ્યો નથી.હું તો ડ્રાઈવિંગ કરુ છું અને માંડ માંડ મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છું.વીજ કંપનીના સત્તાધીશોએ આ બાબતે સ્પષ્ટતા કરીને કહ્યુ છે કે,ગ્રાહક મોબાઈલ એપ પર પોતાના વીજ બિલનો સાચો આંકડો જાણી શકે છે અથવા સબ ડિવિઝન ઓફિસમાં જઈને પણ જાણકારી મેળવી શકે છે.આ ગ્રાહકનુ બાકી બિલ ૨૪૮ રુપિયા છે.સ્માર્ટ મીટરો લગાવ્યા બાદ આ પ્રકારનો આવો બીજો છબરડો સામે આવ્યો છે. આ પહેલા વીજ કંપનીએ અન્ય એક ગ્રાહકને ૯.૪૫ લાખના બિલનો મેસેજ મોકલ્યો હતો.હકીકતમાં તેનુ બિલ ૧૦૭૩ રુપિયા હોવાનુ પાછળથી વીજ કંપનીએ કહ્યુ હતુ.

Reporter: News Plus

Related Post