પોલીસ કેબીન હટાવો , રસ્તો ખૂલ્લો કરો
ટ્રાફિકના નિયમનનું પાલન કરાવનાર પોલીસ જ ટ્રાફિકને અડચણરૂપ બની
વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમનનું જેને પાલન કરાવવાની જવાબદારી છે તેવા પોલીસ વિભાગ દ્વારા જ માંડવી ચાર દરવાજા પાસે પોલીસ કેબીન ઉભી કરી દબાણ કરાયું હોવાનું લાગણી લોકોની છે. અહીં રસ્તો પહોળો હતો પરંતુ પોલીસ કેબીન મુક્યક બાદ તેની આસપાસના વિસ્તારને બેરિકેટથી કવર કરવામાં આવ્યો છે. જેના કારણે રસ્તો સાંકડો થઇ ગયો છે. અને લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
વડોદરા ચાર દરવાજા વિસ્તાર એટલે શહેરનું હૃદય..આ હૃદય મધ્યે માંડવી . માંડવી ટાવર થઈ વાઘોડીયારોડ, પ્રતાપનગર લહેરીપુરા અને હરણી તરફ જતા મુખ્ય રસ્તાઓ છે . અહી ચોવીસ કલાક ચારેબાજુ વાહનોની અવરજવર દરરોજ સતત રહે છે . અહી ટ્રાફિક પોલીસ વધુ સંખ્યામા ટ્રાફિક નિયમન કરે એ અનિવાર્ય છે . નહિતર થોડીક જ ક્ષણોમા ટ્રાફિક જામ થઇ સૌ રાહદારીઓ અને ચારેબાજુ જતા આવતા વાહનચાલકો અગવડથી હેરાન પરેશાન થઈ જાય.. જ્યારે ટ્રાફિક પોલીસની ફરજ જ ચેતનવંતી હોય એ જરુરી હોય તેવા સમયે ટ્રાફિક પોલીસ જ અવરોધક બને એ કેવુ ? અહી એકબાજુ માંડવીથી સ્ટેશન જતુ બસ સ્ટેન્ડ છે . પણ બસ પકડવા મુસાફરો ઉભા રહે એ જગ્યાએ રિક્ષાઓ ઉભી કરી દેવાય છે . બસસ્ટેન્ડની અંદર સ્કુટર પાર્કીંગ કરાય છે . અને પોલીસ અહી પ્રેક્ષક બની તમાશો જુએ છે . બીજી તરફ માંડવીના પાણીગેટ જતા વળાંક ઉપર પોલિસ કેબીન ઘણા સમયથી ઠોકી બેસાડી છે તથા આજુબાજુ બેરીકેટ ખડકી દેવાયા છે . જેથી પહોળો રસ્તો સાંકડો બની ગયો છે . આમ ટ્રાફિકની સુગમતા ને બદલે ટ્રાફિક પોલીસ દ્વારા અકારણ અગવડ બની છે . અહી કેબીનની જરુર જ નથી . માંડવીથી પાણીગેટ દરવાજા વચ્ચે જ સીટી પોલીસ સ્ટેશન છે જગ્યા પણ વિશાળ છે ત્યારે અહી કેબીનની જરુર નથી . આ કેબીન અને બેરીકેટ હટાવવા લોક આક્રોશ વધી રહ્યો છે . વળી નજરબાગ મોલના ખુણે એમજીવીસીએલની ઓફીસ છે જ્યા સીટી ના લોકોની લાઇટબીલ ભરવા અવરજવર રહે છે . અહી જતા પહેલા જ આ કેબીન અને બેરીકેટ રાહદારીઓ અને વાહનચાલકોને નડતર રૂપ હોઇ, તે હટાવવા માંગ ઉઠી છે.
પૂર્વ કોર્પોરેટર વિજય પવારે જણાવ્યું હતું કે માંડવી કંટ્રોલ રૂમની સામે જે બસ સ્ટેન્ડ છે ત્યાંથી મકરપુરા,જામ્બુવા, આજવા રોડ સહિત ની બસો ઉપડતી હતી. પોલીસે રોડ કોર્ડન કરી દીધો છે તેના કારણે બસ રોડની બહાર ઉભી રહે છે મુસાફરોને રોડ પર ઉભો રહેવાનો વારો આવે છે. પોલીસે કોર્ડન કર્યું છે તેની બહાર રિક્ષાઓ ઉભી રહે છે. જેના કારણે રોડ સાંકડો થાય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. રોડ સાકડો થઈ જતા અકસ્માતના બનાવો બને છે. અમુક વાર ત્યાં મારામારીના દ્રશ્યો સર્જાતા માહોલ પણ ઉગ્ર થઈ જાય છે. જોકે સાંજે પાંચ થી સાત જે રીક્ષા ને પ્રતિબંધ છે પરંતુ રિક્ષાવાળાઓ સિટી વિસ્તારની ગલીઓમાંથી બેરોકટોક રિક્ષા ચલાવે છે જો કોઈ સ્થાનિક ને જાન માલ ને નુકશાન થશે તો એનો જવાબદાર કોણ? પોલીસે બેરિકેટ કેવી રીતે કર્યું એ મોટો સવાલ છે?
Reporter: News Plus