વડોદરા ફાયર વિભાગ દ્વારા ગુરુવારે સતત ચોથા દિવસે પણ વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક ઇમારતો તેમજ એકમોમાં સુવિધાના સાધનો ન મળતા તેને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોરવા વિસ્તારના લાકડાના પીઠા સુપર સિલકેશનને પણ સીલ મારવામાં આવ્યું હતું.
રાજકોટની ઘટના બાદ વડોદરા ફાયર વિભાગને અચાનક પોતાની કામગીરી યાદ આવી છે અને અનેક વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આજે સતત ચોથા દિવસે પણ આ કામગીરી ચલાવવામાં આવી હતી. વિવિધ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગોરવા વિસ્તારમાં આવેલા મોટા લાકડાના પીઠા સુપર સિલેક્શનમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી જોવા ન મળતા આ મિલકતને સીલ કરવામાં આવી હતી. લાકડાના પીઠામાં જ ઘોર બેદરકારી જોવા મળી હતી જેના કારણે ટીમ દ્વારા પગલાં ભરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરની અમન હોસ્પિટલમાં પણ ફાયર સેફ્ટિનો અભાવ જોવા મળતા તેને સીલ કરવામાં આવી હતી. સયાજીગંજ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસથી ધમધમતા એપાર્ટમેન્ટ અલંકાર ટાવર ઉપર પણ ફાયર વિભાગે ચેકીંગ કરવામાં આવ્યું હતું જ્યાં પણ કચાશ જનતા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ચાર દિવસમાં શહેરમાં ઢગલેબંધ ઇમારતોમાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.
રાજકોટ ની ઘટના બાદ ફાયર વિભાગ એક્શનમાં, મોડી રાત સુધી ઓફિસ ધમધમે છે.
રાજકોટની ઘટના બાદ વડોદરા ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, અને રોજેરોજ ઓછામાં ઓછા 40 થી 50 એકમો ફાયર સેફટીની સુવિધા વગરના મળી રહ્યા છે જે પૈકી કેટલાકને નોટિસ આપવામાં આવી છે તો કેટલાકને સીલ મારવામાં આવ્યું છે. શું ફાયર વિભાગ હાલ સુધી ઘોર નિંદ્રામાં હતું? હાલ સુધી ચકાસણી કેમ કરવામાં ન આવી? શું કોઈ હોનારત થાય ત્યારે જ સફાળા જાગવાનું? રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યો છે. અને મોડી રાત સુધી ફાયર વિભાગની ઓફિસો ધમધમે છે.
મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ સંસ્થાનો જેવા કે હોસ્પિટલો,શાળાઓ, ટયુશન કલાસીસ, હોટલ,રેસ્ટોરન્ટ, કાફે, મોલ્સ, શો રૂમ્સ, વ્યાપારી સંસ્થાઓ, ફીટનેસ સેન્ટર, કોલ સેન્ટર્સ, ફર્નિચર મોલ્સ, ગાદલાની દુકાનો, પ્લે સ્કુલ વિગેરેમાં ફાયર સેફટી અને અન્ય એન્જીનીયરીંગ સંલગ્ન બાબતો જેવી કે સિવિલ, ઇલેકટ્રીકલ,મિકેનીકલ બાબતોના ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી,ઓક્યુપેશન સર્ટીફીકેટમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતોની ચકાસણી કરવા ફાયર ડીપાર્ટમેન્ટની 6 ટીમો અને ઝોન દીઠ 2 ટીમો મળી કુલ 14 ટીમો દ્વારા ગુરુવારના રોજ શહેરના વિવિધ 4 ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી હતી.4 ઝોનમાં મળી 537 મિલકતોને સીલ કરવામાં આવી છે.
ઉપરાંત ફાયર ડીપાર્ટમેન્ટની 6 ટીમો દ્વારા અંલકાર ટાવર, ફોચ્યુનર હબ, ગાલવ ચેમ્બર્સ, અર્પણ કોમ્પલેક્ષ, સન રાઈસ કોમ્પલેક્ષ, કિષ્ણા કોમ્પલેક્ષ મળી કુલ 552 મિલકતો સીલ કરવામાં આવી છે.
ટાઉન ડેવલોપમેન્ટ શાખા દવારા પણ આજ રોજ શહેરના વિવિઘ વિસ્તારોમાં કુલ- 575 મિલ્કતો સીલ કરવામાં આવી છે.
Reporter: News Plus