અમદાવાદ : ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સામાન્ય લોકોને કોઈપણ બીમારી હોવા છતાં ખોટા રિપોર્ટ કાઢીને તેમના ખોટા ઓપરેશન કરી દેવાનો કિસ્સો સામે આવ્યો છે.
જેમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દર્દીઓના ખોટી રીતે જરૂર ના હોવા છતા એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવ્યા હતાં. સરકારી સહાય મેળવવાની લ્હાયમાં તબીબો દ્વારા અને ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ કૌભાંડ આચારવામાં આવતું હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે આ મુદ્દે રાજ્યનું આરોગ્ય વિભાગ અને આખી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ખ્યાતિ હૉસ્પિટલના બોગસ ઓપરેશન કાંડ બાદ ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે રાજ્યની તમામ હૉસ્પિટલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાશે. ખ્યાતિ હૉસ્પિટલની ઘટના બાદ તમામ હૉસ્પિટલની સ્ક્રૂટિની કરાશે.
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ રજિસ્ટ્રેશન ફરજિયાત થશે.12 માર્ચ 2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કર્યું છે.12 માર્ચ 2025 સુધીમાં આવેલી અરજીના આધારે હૉસ્પિટલની સ્ક્રૂટિની થશે. બીજી તરફ હજુ આવી કેટલી ખ્યાતિ હોસ્પિટલો ગુજરાતમાં ધમધમી રહી છે તેની પણ તપાસ થઈ રહી છે. જેમાં નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલનું જેવું જ કૌભાંડ વડોદરામાં થયાની આશંકા અંજના હૉસ્પિટલમાં સામે ઉભી થઈ છે. જેમને જરૂર નહોતી તેમને ઓક્સિજન માસ્ક પહેરાવી દર્દીના ફોટા પાડી આયુષ્માન કાર્ડની સાઈટ પર અપલોડ કરી કૌભાંડ આચર્યાની શંકા છે.
Reporter: admin