નવી દિલ્હી : લોકસભામાં રેકોર્ડમાથી રાહુલ ગાંધીનું 'હિંદુ કહેનારા હિંસા કરે છે.' નિવેદન હટાવી દેવામાં આવ્યું છે. જેમાં તેમણે ભાજપ પર લઘુમતીઓ સાથે અન્યાયી વ્યવહારનો આરોપ લગાવ્યો હતો.
આ સિવાય આ અગ્નિવીર સેનાની નહીં પણ PMOની યોજના છે અને પોતાને હિંદુ કહેનારા હિંસા કરે છે તે નિવેદન પણ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું છે. રાહુલ ગાંધી સરકારને ઘેરવા માટે ભગવાન શિવ, ગુરુ નાનક અને જીસસ ક્રાઈસ્ટની તસવીરો સાથે લઈને આવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર બતાવી અને કહ્યું હતું કે 'ભગવાન શિવ તો કોઈથી ન ડરવાનું શીખવે છે અને ન તો કોઈને ડરાવવાનું શીખવે છે.' રાહુલ ગાંધીએ 20 મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી. આમાં હિન્દુઓ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, બેરોજગારી, નોટબંધી, GST, MSP, હિંસા, ભય, ધર્મ, અયોધ્યા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, વડાપ્રધાન અને સ્પીકરનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીના નિવેદનની વડાપ્રધાન મોદીની સાથે અમિત શાહ અને રાજનાથ સિંહે પણ આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ નિવેદન આપતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. આ પછી વડાપ્રધાન મોદીએ પોતાની બેઠક પરથી ઉભા થઈને રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીના નિવેદન બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'હિન્દુ સમાજને હિંસક કહેવું ખોટું છે.' ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવીને કહ્યું હતું કે 'આ કરોડો હિન્દુઓનું અપમાન છે. હિંસાને કોઈપણ ધર્મ સાથે જોડવી ખોટું છે. રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ.'
Reporter: News Plus