News Portal...

Breaking News :

વડા પ્રધાન ગુજરાતમાં ગજાવશે 10 સભા, ભીંસમાં આવેલા ભાજપની મીટ મોદી તરફ

2024-04-16 12:06:10
વડા પ્રધાન ગુજરાતમાં ગજાવશે 10 સભા, ભીંસમાં આવેલા ભાજપની મીટ મોદી તરફ

કેન્દ્રમાં મોદી સરકારને સત્તારૂઢ થવા અને 3.0 માટે આ વખતે 400 પારનો લક્ષ્યાંક લઈને લોકસભાના કુરુક્ષેત્રમાં ઉતરેલા ભાજપ અને સાથી પક્ષો ફરી એકવાર મોદી ભરોસે છે. રાજકોટ સહિતની બેઠકોમાં મતદારો અને પક્ષના અમુક નેતાઓની નારાજગી દૂર થયા તેવી આશા ભાજપના નેતાઓને છે. ગુજરાતમાં 7 મી મેએ ત્રીજા ચરણમાં મતદાન છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં ચૂંટણી પ્રચારની ધૂરા સંભાળશે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદી ગુજરાતનાં ચારેય ઝોનને આવરી લઈ અંદાજિત 10 જેટલી જનસભા સંબોધશે. તેનો પહેલો તબક્કો 22 એપ્રિલથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ક્ષત્રિય સમાજ કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલાના નિવેદનથી કાળ-ઝાળ છે. બીજી બાજુ ઘણી બેઠકો પર ઉમેદવાર સામે નારાજગી સ્થાનિક નેતાઓએ બતાવી છે. ત્યારે માત્ર ભાજપને જ નહીં પરંતુ લોકસભાની 26 બેઠકના તમામ ભાજપાઈ ઉમેદવારોની મીટ મોદી પર છે. શું મોદીના પ્રચારથી ક્ષત્રિય સમાજનો રોષ ઓછો થશે ? શું વડાપ્રધાન મોદી સામાજિક આક્રોશને ભાજપ તરફી મતદાન માટે પ્રેરિત કરી શકશે ? એ સવાલ પ્રત્યેક ભાજપાઈના મનમાં છે.

2009 માં રાજકોટ બેઠક ભાજપના હાથમાથી ગઈ

ગુજરાતમાં મોટા શહેરો હમેશા ભાજપનો ગઢ રહ્યા છે. રાજકોટ ,વડોદરા અને સુરત જેવા શહેરોએ વિધાનસભા હોય કે લોકસભા ભાજપનો સાથ આપ્યો છે.સિવાય કે 2009ની લોકસભા ચૂંટણીને બાદ કરતા. 2009માં રાજકોટ બેઠક પર ભાજપે શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલા કિરણ પટેલને ટિકિટ આપી હતી. સામે કોંગ્રેસમાથી હતા કુંવારજી બાવળીયા. સ્થાનિક ભાજપાઈ કાર્યકરોનો અસંતોષ અને નિષ્ક્રિયતા ઉપરાંત કિરણ પટેલ વિરુદ્ધ થયેલા અપ પ્રચારની સીધી અસર રાજકોટ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વોટિંગ પર થઈ. પરિણામે કુંવરજી બાવળીયા કોંગ્રેસમાથી લોકસભા બેઠક જીતી ગયા હતા. આ ચૂંટણીમાં ફરી રાજકોટની બેઠક સમાચારોમાં આવી છે.

મોદી બનાવશે સૌરાષ્ટ્રને એપી સેન્ટર

ગુજરાતમાં ભાજપે તમામ 26 લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. છેલ્લા 20 દિવસથી રાજકોટ જ નહીં પરંતુ બાજુના રાજ્યો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ રૂપાલાના નિવેદનની ઝાળ,જંગલની આગ માફક ક્ષત્રિય સમાજમાં ફેલાઈ છે. ગુજરાતનાં સૌરાષ્ટ્ર-કચ્છ, સાબરકાંઠા,બનાસકાંઠા,વડોદરા, ભરુચ જેવા વિસ્તારોમાં ક્ષત્રિય સમાજની રૂપાલાની ટિકિટ પાછી લેવાની માગણી છે. બીજી બાજુ રાજકોટમાં રૂપાલા તરફી પોસ્ટર્સ લાગ્યા છે અને ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે. આ વચ્ચે, રવિવારે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન રાજકોટ નજીક સરતાનપરમાં યોજાશે. આ અસ્મિતા સંમેલનમાં અંદાજે પાંચ લાખ લોકો ઉમટી પાડવાની શક્યતા દર્શાવાઈ રહી છે. આ સામાજિક સંમેલન પર ઇન્ટેલિજન્સ,પોલીસ,ગૃહ વિભાગ અને સરકાર સાથે તમામ ભાજપાઈ નેતાઓની નજર છે. રવિવારના ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલન પછી રૂપાલા ઉમેદવારી પરત ખેંચશે તે સવાલ છે. આ વચ્ચે 22 એપ્રિલે રાજકોટથી વડાપ્રધાન મોદી જનસભા સંબોધી સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ ,અમરેલી,ભાવનગર,સુરેન્દ્રનગર અને કચ્છના મતદારોને સંબોધશે. આ સાથે અન્ય સ્ટાર પ્રચારકો પણ મતદારોને રીઝવવા ગુજરાત આવશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.

Reporter:

Related Post