અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનીને છેલ્લા 29 વર્ષથી રાખડી બાંધી રહેલીમૂળ પાકિસ્તાની મહિલા કમર શેખ ફરી એકવાર 19 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધવા દિલ્હી જવાની તૈયારી કરી રહી છે. આ સતત 30મું વર્ષ હશે જ્યારે કમર શેખ નરેન્દ્ર મોદીના કાંડા પર રાખડી બાંધશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનનારી કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચી શહેરના એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. કમર શેખે વર્ષ 1981માં મોહસીન શેખ સાથે લગ્ન કર્યા ત્યારથી તે ભારતમાં સ્થાયી થઇ છે. કમર શેખ 1990થી એટલે કે છેલ્લા 35 વર્ષથી પીએમ મોદીના સંપર્કમાં છે. કમર શેખ પીએમ મોદીને પોતાના ભાઈ અને પીએમ મોદી તેમને બહેન માને છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને કમર શેખ પોતાના હાથથી પીએમ મોદી માટે રાખડી બનાવે છે અને પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધે છે.આવતા સપ્તાહે સોમવારે રક્ષાબંધનનો તહેવાર આવશે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કમર શેખ પીએમ મોદીને રાખડી મોકલશે.
કમર શેખે કહ્યું, હું મારા ભાઈ માટે બજારમાંથી રાખડી ખરીદતી નથી, હું દર વર્ષે રક્ષાબંધન પહેલા જાતે ઘણી બધી રાખડીઓ બનાવું છું અને અંતે મને સૌથી વધુ ગમતી રાખડી હું તેમના કાંડા પર બાંધું છું.”આ વખતે 30માં વર્ષે પીએમ મોદીને રાખડી બાંધવાની તૈયારી કરી રહેલા કમર શેખ કહે છે, હું આ વર્ષે પીએમ મોદીને જે રાખડી બાંધવાની છું, તે મેં વેલવેટથી બનાવી છે. તેમાં મોતી અને જરદોશીનો ઉપયોગ કર્યો છે. પીએમ મોદીને રાખડી બાંધવા દિલ્હી જવા માટે કમરે રક્ષાબંધનના એક દિવસ પહેલા 18 ઓગસ્ટની એર ટિકિટ લીધી છે.કમરે શેખે કહ્યું કે કોરોના પહેલા તે પોતે પીએમને રાખડી બાંધવા જતી હતી. પરંતુ વર્ષ 2020, 2021, 2022 સહિત ત્રણ વર્ષ સુધી કોરોનાને કારણે તે પોતે પીએમ મોદીને રાખડી બાંધવા જઈ શકી ન હતી.
Reporter: admin