સયાજીબાગ માં ખાલી કૂંડાઓ શોધે છે હરિયાળા છોડવા અને માં ની જેમ ઉછેરનારા માળી ને...ભવિષ્યમાં કદાચ બાગમાં વૃક્ષો નહિ એમના ચિત્રો હશે..
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે.શહેર માટે સયાજીબાગ અને લોકબોલીમાં કમાટીબાગ એ સયાજીરાવ મહારાજે બાંધેલું નહિ પણ હેતથી ઉછેરેલું પ્રકૃતિ તીર્થ છે.એની વનસ્પતિ વિવિધતા વન વિદ્યા અને વૃક્ષ શાસ્ત્ર - બોટની ના અભ્યાસુઓ માટે વિદ્યા મંદિર છે.આભાર શાસકો નો કે હજુ શહેરી વિકાસના દરિયા વચ્ચે એક મોટા ટાપુ જેવી આ જગ્યા વિકાસની અડફેટે ચઢી નથી.ડોળો તો તંકાયેલો હશે આ સોનાની લગડી જેવી જમીન પર પણ સયાજીરાવની શરમ હજુ આડી આવે છે.આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે આ પર્યાવરણ મંદિરમાં અજબ નજારો જોવા મળે છે.જાણે કે હરિયાળી ના આ ટાપુ પર છોડ વગરના ખાલી કુંડા થી પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે.કદાચ કમાટીબાગ ના સત્તાવાળાઓ શહેરીજનો ને એવું પણ સમજાવવા માંગતા હોય કે વૃક્ષો અને હરિયાળી વગરના પર્યાવરણ ની હાલત આ ખાલી કુંડા જેવી થઈ જાય.એના વગર તમને પણ ખાલીપો વર્તાય.આ ખાલી કુંડા મૂંઝાઈ રહ્યા છે કે એમાં છોડ વાવનારા માળીઓ એમની કળા ભૂલી ગયા છે કે હવે માળીઓ ને પ્લાસ્ટિકના છોડ અને શણગારમાં વધુ રસ છે.આમ પણ હવે માળીઓ ની દુકાનોમાં સાચા ફૂલ કરતા બનાવટી ફૂલો અને વેલાઓ વધુ વેચાય છે.કાગજ કે ફૂલના જમાનામાં અત્તર રેડીને સુગંધ મેળવવી પડે એવો ઘાટ છે.અને એ સુગંધ પણ ફૂલોના અર્કમાં થી બનેલી કુદરતી નહિ પણ રસાયણો થી બનેલી કૃત્રિમ હોય છે.હવે તો માણસોના નાક પણ કુદરતી સુગંધ માણવાનું ભૂલી ગયા છે.
આગળ ચોમાસું આવે છે.છોડના ઉછેરની એ કુદરતી ઋતુ છે.ચોમાસા ના વાવેતરને ઉછેરવા ખાસ પરિશ્રમ કરવો પડતો નથી.ખરેખર તો આજે બાગના વહીવટદારો એ આ કુંડાઓમાં છોડ આરોપણ નું આયોજન કરીને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની જરૂર હતી.ભલે એ આયોજન ના થઈ શક્યું.પણ હવે આગામી દિવસોમાં આ કુંડાઓનો ખાલીપો હરિયાળા છોડથી ભરી દે જો.પ્રકૃતિ ના આશીર્વાદ મળશે અને સયાજી મહારાજના આત્મા ને હાશ થશે.પ્રત્યેક ગામમાં પાંચ વૃક્ષોની પંચવટી ઉછેરાવવાની કાળજી લેનારા મહારાજને એમના પ્રિય બાગમાં છોડ વગરના ખાલી કુંડા જોઈને કેટલું અપરંપાર દુઃખ થાય! એ દુઃખનું નિવારણ છોડ વાવી ઉછેરીને કરવા જેવું છે.ભવિષ્યમાં આ બાગમાં ઘટાદાર વૃક્ષો અને લીલા છોડ વેલા ને બદલે કુંડાઓ માં એમના ચિત્રો લગાવેલા હોય એવી કરુણ પરિસ્થિતિ ટાળવી જ રહી....
Reporter: News Plus