મિલાન : ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. સૂત્રોની માહિતી અનુસાર પીએમ મોદી જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર ઈટાલી ગયા છે. સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ ભારતને G7 સમિટમાં આઉટરીચ કન્ટ્રી તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. બંનેની મુલાકાતનો વીડિયો પણ સામે આવ્યો છે. આ પહેલા તેઓ વિવિધ દેશોના દિગ્ગજ પ્રમુખો સાથે પણ મળ્યા હતા. તાજેતરમાં ઈટાલીમાં G7 સમિટનું આયોજન ચાલી રહ્યું છે. તેમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપવા પહોંચ્યા હતા. દરમિયાન તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ વર્લ્ડ લીડર્સ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી હતી.
પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત અંગે ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે સ્થિર અને સમુદ્ધ વૈશ્વિક વ્યવસ્થા માટે ભારત તથા ફ્રાન્સ વચ્ચે મજબૂત અને વિશ્વસનીય વ્યૂહાત્મક ભાગીદારી મહત્ત્વપૂર્ણ છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ મેક ઈન ઈન્ડિયા પર વધુ ધ્યાન આપવાની સાથે જ વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગ વધારવા સંમતિ વ્યક્ત કરી હતી.
Reporter: News Plus