પેન્શન કચેરી વડોદરા તથા તાબાની પેટા તિજોરીઓમાંથી આઈ.આર.એલ.એ. સ્કીમ મારફત બેંક મારફત રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જણાવવાનું કે તેઓએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તિજોરી કચેરી સાથે સંલગ્ન બેંક શાખામાં તા.૦૧.૦૫.૨૦૨૪ થી તા.૩૧.૦૭.૨૦૨૪ સુધીમાં કરાવી લેવાની રહેશે. તદઉપરાંત કુટુંબ પેન્શનરોએ પુનઃલગ્ન નહી કર્યા અંગેનું નિયત નમુનામાં પ્રતિષ્ઠિત વ્યક્તિનું ગેઝટેડ ઓફિસર-કોર્પોરેટર-સરપંચ-પ્રમુખ-મેયર પ્રમાણપત્ર અલગથી બેન્કમાં રજુ કરવાનું રહેશે.૫૦ વર્ષથી વધુ ઉંમર હોય તેવા મહિલા કુટુંબ પેન્શનરે આવું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે નહી.
તા.૩૧-૦૭-૨૦૨૪ સુધીમાં જે પેન્શનરોના હયાતીના ફોર્મ અત્રેની કચેરીને મળશે નહિ તેવા પેન્શનરોનું માહે ઓગષ્ટ-૨૦૨૪ પેઈડ ઈન સપ્ટેમ્બર - ૨૦૨૪થી પેન્શન બંધ કરવામાં આવશે જેની સર્વે પેન્શનરોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.પેન્શનર www.jeevanpramaan.gov.in વેબસાઈટ પર પણ ઓનલાઈન હયાતી કરાવી શકશે. જે પેન્શનરોએ આધારકાર્ડ કે પાનકાર્ડ આપેલ નથી તેવા પેન્શનરોએ આધારકાર્ડ અને પાનકાર્ડની નકલ હયાતી ફોર્મ સાથે અચુક આપવાની રહેશે.
વિદેશમાં રહેતા પેન્શનરોએ તેઓની હયાતી નોટરી પાસે ફોટા સહિત બેંક શાખા, પી.પી.ઓ. નંબર તથા ખાતા નંબર લખી કરાવવા વિનંતી છે. નોટરીથી કરાવેલ હયાતી અસલમાં તથા પાસપોર્ટની નકલ ફરજીયાત સાથે આપવાની રહેશે. અન્યથા હયાતી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. અત્રેની કચેરીની પૂર્વ મંજૂરી વિના જે પેન્શનરોએ જેઓની બેંક કે શાખા બદલેલ હશે તેવા પેન્શનરોના હયાતીની ખરાઈ કરવામાં આવશે નહી જેની દરેક પેન્શનરોએ નોંધ લેવી. પેન્શનરોએ અત્રેની કચેરીમાં પી.પી.ઓ.માં કરેલ નમૂના મુજબની સહી કરવાની રહેશે.સને ૨૦૨૩-૨૦૨૪ ના વર્ષના આવકના પ્રમાણપત્ર પણ બેંકમાંથી જ મેળવી લેવાના રહેશે એમ શ્રેયાન તિજોરી અધિકારી,પેન્શનની યાદીમાં જણાવાયું છે.
Reporter: News Plus