વડોદરા લોકસભા બેઠકની તા. ૭મી મેના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે સમગ્ર વડોદરા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મતદાન આડે હવે માત્ર પાંચ દિવસ જ બાકી છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયાસોને વેગવંતા બનાવવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે વડોદરા શહેર-જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈને હાથ પર મહેંદી મૂકાવીને મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો.
મતદાન જાગૃતિ અંગે ઊંડેરા ખાતે સ્પંદન કોમ્યુનિટી હોલમાં ૫૦૦ જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. TIP ના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા આ કાર્યક્રમમાં સહભાગી થઈને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે પણ પોતાના હાથ પર મહેંદી મૂકાવીને મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો. જિલ્લા પંચાયત ખાતે આંગણવાડીની બહેનોના હાથ પર લાગેલી મહેંદીએ અનોખું આક્રર્ષણ જમાવ્યું હતું.
તદુપરાંત વડોદરા જિલ્લા પંચાયત ખાતે શાળાની શિક્ષિકાઓ સાથે જ મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા મતદાન અંગે જાગૃતિ આવે તે થીમ આધારિત સુંદર મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી મહેંદીની ડીઝાઈન નિહાળી મતદાર મતદાન પ્રત્યે ઉત્સાહિત તેમજ જાગૃત બનશે તેવી ભાવના શ્રીમતી મમતા હિરપરા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા ઉપરાંત નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રાકેશ વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષીબેન ચૌહાણ, સ્વીપના કો-ઓર્ડિનેટર ડો. સુધીર જોશી, ICDS પ્રોગ્રામ ઓફિસર નયના પારઘી તેમજ શ્રી બી.જે વણજારા તથા શ્રી કે.એમ ભોઈ અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
Reporter: News Plus