પૅરિસ: ચાર વર્ષ પહેલા 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં મેન્સ હૉકીનો બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતે શનિવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં ન્યૂઝીલૅન્ડને પ્રથમ મુકાબલામાં 3-2થી હરાવીને વિજયી શરૂઆત કરી હતી.
ન્યૂ ઝીલૅન્ડ વતી સેન લેને મૅચનો પ્રથમ ગોલ કરીને પોતાની ટીમને 0-1થી સરસાઈ અપાવ્યા બાદ મનદીપ સિંહે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરીમાં લાવી દીધો હતો. ત્રીજા ક્વૉર્ટરમાં વિવેકે ગોલ કરીને ભારતને 2-1થી ભારતને સરસાઈ અપાવી હતી, પરંતુ ચોથા ક્વૉર્ટરમાં મૅચના અંતને સાત મિનિટ બાકી હતી ત્યારે સિમોને ગોલ કરીને સ્કોર 2-2થી સમકક્ષ કરી દીધો હતો.
જોકે મૅચની છેલ્લી પળોમાં હરમનપ્રીત સિંહે ભારત વતી ત્રીજો ગોલ કર્યો હતો. ભારતે ડ્રૉ સાથે ઑલિમ્પિક્સમાં નિરાશાજનક આરંભ કરવો પડે એવી હાલત હતી, પરંતુ હરમનપ્રીત છેલ્લે ટીમની વહારે આવ્યો હતો. ભારતવાળા ગ્રૂપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેલ્જિયમ, ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને આયરલૅન્ડ છે.ઑલિમ્પિક્સમાં ભારત પાસે વિક્રમજનક આઠ ગોલ્ડ મેડલ છે, પરંતુ 44 વર્ષથી ફરી ગોલ્ડ નથી મળ્યો. ભારતીય ટીમ સાડાચાર દાયકાનું એ મહેણું ભાંગવાના હેતુથી પૅરિસ આવી છે.
Reporter: admin