જૂનાગઢ : શહેર અને જિલ્લામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ગિરનાર પર્વત અને જંગલ પર 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
ગિરનાર નજીકના રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેમાં એક બસ પણ ફસાઈ હતી. જ્યારે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે અને ઘોડાપુર જેવા દ્રશ્યો સર્જાયા છે. નદી-વોકળામાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. હાલ, ધોધમાર વરસાદથી જનજીવનને અસર થઈ છે.જૂનાગઢમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પર ધોધમાર વરસાદ પડતા ભવનાથના રસ્તાઓ પર ડરામણાં દૃશ્યો સર્જાયાં હતા. પર્વત પરથી ધોધ વહેતા થયાં છે. જેમાં 15થી વધુ બાઈકો તણાયા હતા. અમરેલીના વડીયા પંથકમાં ત્રણ ઈંચથી વધુ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે વડીયાના સૂરવો ડેમના ત્રણ દરવાજા એક-એક ફૂટ ખોલાયા હતા. આ અગાઉ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા હતા. તો વડીયાના ઉજળા ગામમાં આવેલી કમોત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધતા 6 થી 7 જેટલી ગાય તણાઈ હતી.
ગાયોને બચાવવાના પ્રયાસ પણ કરાયા છે. જેનો વીડિયો સામે આવ્યો છે.ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે છોટાઉદેપુર, નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. વલસાડ, દમણમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દાદરાનગર હવેલી, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. આ સાથે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિત થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Reporter: admin