અમદાવાદ: ખાડિયાના ભાજપ કાર્યકરની હત્યાના કેસમાં વડોદરા જેલમાં સજા કાપી રહેલા કુખ્યાત મોન્ટુ નામદારને જેલમાં તમામ VIP સગવડો મળી રહી હોવાનો પર્દાફાશ થયો છે.
કેસના ફરિયાદી પવન ગાંધીએ ગૃહવિભાગમાં અરજી કરીને આક્ષેપ કર્યો છે કે જેલના સત્તાધીશોની મિલીભગતથી મોન્ટુ જેલની અંદર બેસીને ગુનાખોરીનું નેટવર્ક ચલાવી રહ્યો છે.અરજીમાં જણાવ્યા મુજબ, મોન્ટુ નામદાર જેલમાં હોવા છતાં બે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે. ફરિયાદીએ આ બંને મોબાઈલ નંબર પણ અરજીમાં આપ્યા છે અને તેની કોલ ડિટેઈલ્સ (CDR) કઢાવવાની માંગ કરી છે. આક્ષેપ છે કે મોન્ટુએ જેલમાંથી જ ફરિયાદીની હત્યા કરવાની સોપારી આપી છે. અગાઉ પણ મોન્ટુ સામે જેલમાં મોબાઈલ રાખવા અને ગેરકાયદે હથિયાર રાખવાના ચારથી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે.
ફરિયાદીએ જેલની અંદરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે, મોન્ટુને સુવા માટે ડનલોપની ગાદી આપવામાં આવી છે. એટલું જ નહીં, તેને જેલમાં નિયમિત રીતે દારૂ અને નોનવેજ પીરસવામાં આવે છે. અરજીમાં ચોંકાવનારો આક્ષેપ કરાયો છે કે દરરોજ '7250' નંબરની એક સફેદ ઇનોવા કાર જેલ પર આવે છે, જે મોન્ટુ માટે દારૂ અને નોનવેજનો જથ્થો પહોંચાડે છે.
Reporter: admin







