નવી દિલ્હી : બિહારને ખાસ રાજ્ય આપવાનો મુદ્દો ફરીથી ગરમાયો છે. જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)ની રાષ્ટ્રીય કારોબારીની શનિવારે થયેલી બેઠકમાં બિહારના સીએમ નીતિશકુમારે ફરીથી કેન્દ્ર સરકાર સમક્ષ માંગ રાખી હતી કે બિહારને સ્પેશ્યલ સ્ટેટસ આપો અથવા ખાસ પેકેજ આપો.
બિહારના આર્થિક વિકાસ માટે આ બંનેમાંથી એક જરુરી છે. જો કે આ વખતે નીતિશે થોડું કૂણું વલણ અપનાવ્યું છે. તેમણે સ્પેશ્યલ સ્ટેટસ પર ભાર મૂકવાની સાથે વિશેષ પેકેજનો વિકલ્પ આપ્યો છે. હવે નીતિશકુમાર ક્યારથી આ પ્રકારનો વિકલ્પ આપતા થઈ ગયા તેની ચર્ચા દિલ્હીના રાજકીય વર્તુળોમાં થવા લાગી છે. જેડીયુની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સંજય ઝાને પક્ષના કાર્યકારી વડા બનાવાયાછે. સંજય ઝા એવા નેતા છે જેનું બેકગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું રહ્યું છે. તેમના ભાજપના ઘણા નેતાઓ સાથે ગાઢ સંબંધોની ચર્ચા પણ થઈ રહી છે.
આ વર્ષમાં જેડીયુ એનડીએ જોડાણમાં પરત ફર્યુ તેમાં તેમની ભૂમિકા મહત્ત્વની રહી હોવાનું માનવામાં આવે છે. તેથી નીતિશે તેમને જેડીયુમાં બીજા નંબરની ભૂમિકા આપીને તે સ્પષ્ટ કરી દીધું છે કે તે ભાજપ સાથે કોઈપણ પ્રકારનો સંઘર્ષ ઇચ્છતા નથી. કાર્યકારી વડા બન્યા પછી સંજય ઝાએ પણ જેડીયુ એનડીએમાં રહેશે કે જશે તે અટકળો પર પૂર્ણવિરામ લગાવતા જણાવ્યું હતું કે જેડીયુ એનડીએમાં જ રહેશે. બીજી બાજુ બિહારને ખાસ રાજ્યના દરજ્જાની માંગ જેડીયુ લાંબા સમયથી કરી રહી છે. છ મહિના પહેલા જ્યારે નીતિશના નેતૃત્વમાં બિહારમાં મહાગઠબંધનની સરકાર હતી ત્યારે રાજ્ય કેબિનેટમાં સ્પેશ્યલ સ્ટેટસનો પ્રસ્તાવ મંજૂર કરીને કેન્દ્રને મોકલ્યો હતો. જો કે પછી નીતિશ મહાગઠબંધન છોડીને એનડીએમાં આવી ગયા હતા. હવે તેમના પર ફરીથી કેબિનેટમાં આવો જ પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્રને મોકલ્યો છે.
Reporter: News Plus