તરસાલી શાક માર્કેટ સામે ગુજરાત હાઉસિંગ બોર્ડનાં જર્જરિત થયેલાં મકાનોના ડ્રેનેજ, પાણી અને વીજ જોડાણ કાપવા પહોંચેલી પાલિકા અને ગુજરાત હા. બોર્ડની ટીમનો ઘેરાવો થયો હતો.
રહીશો અધિકારી-કર્મચારીઓ અને પોલીસ ટીમ સાથે ઘર્ષણમાં ઊતરતા કામગીરી પડતી મુકાઈ હતી. આ દરમિયાન ઝપાઝપી અને કાંકરીચાળાનાં દૃશ્યો સર્જાતાં ઉત્તેજના વ્યાપી હતી.રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર અને પાલિકા એક્શનમાં આવી છે અને સીલિંગની સાથે જર્જરિત આવાસોને નોટિસ આપવાનું અને પાણી, ડ્રેનેજ, વીજ જોડાણ કાપવાનું શરૂ કર્યું છે. તરસાલી શાક માર્કેટ સામે ગુજરાત હા. બોર્ડનાં 325 મકાનો જર્જરિત હોવાથી નિર્ભયતા શાખાએ નોટિસ આપી હતી. જોકે રહીશોએ મકાનો ખાલી ન કરતાં પાલિકાએ દબાણ શાખા અને પોલીસને સાથે રાખી શુક્રવારે સાંજે પાણી, ડ્રેનેજ અને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા, ગુજરાત હા.બોર્ડ અને દબાણ શાખાની ટીમો પહોંચતાં જ રહીશોએ વિરોધ કરી હુરિયો બોલાવ્યો હતો.
તેમજ ટીમનો ઘેરાવ કરી ઝપાઝપી કરતાં ઉત્તેજના વ્યાપી હતી. રહીશોનો આક્રોશ જોઈ તંત્રે કામગીરીને પડતી મૂકી રવાના થવું પડ્યું હતું. ઉગ્ર બનેલા ટોળાએ વાહન પર કાંકરીચાળો કરતાં વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ તાત્કાલિક કાર્યવાહીનું આયોજન કરાતાં પોલીસ સ્ટાફ પણ ઓછો મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે ફરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાશે તેવી માહિતી મળી છે. રહીહોનો આક્ષેપ હતો કે વૈકલ્પિક સુવિધા કોઈ આપવામાં આવી છે નહીં અને મકાનો તોડવા માટે આવ્યા છે. હવે ચોમાસુ આવી રહ્યું છે તમે જઈએ તો જઈએ ક્યાં?બીજી તરફ ડીસીપી ઝોન-4 પન્ના મોમાયાએ કહ્યું કે, તરસાલીમાં પાલિકાની ટીમ પોલીસને જાણ કર્યા વિના દબાણ તોડવા ગઈ હતી. પથ્થરમારાની કોઈ પણ ઘટના બની નથી.
Reporter: News Plus