News Portal...

Breaking News :

ડુંગર ઉપર આગ લાગી દોડો ભાઈ દોડો જેવી પાલિકાની કામગીરી

2024-06-12 09:51:41
ડુંગર ઉપર આગ લાગી દોડો ભાઈ દોડો જેવી પાલિકાની કામગીરી


જયારે કોઈ દુર્ઘટના બને ત્યાર બાદ તંત્ર સફાળું જાગી જાય અને પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે દોડાદોડી કરવા લાગે છે. હાલમાં પણ વહીવટી તંત્રનો એ જ હાલ છે. રાજકોટની ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા  તંત્ર પણ ડુંગર ઉપર આગ લાગી દોડો ભાઈ દોડો જેવી સ્થિતિમાં આવી ગયું છે. અને છેલ્લા 15 દિવસથી વિવિધ વિસ્તારોમાં ચેકીંગ અને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ શું જે લોકો પાસે ફાયર સેફટીના સાધનો નથી અને અન્ય પરવાનગીઓ નથી તેના માટે શું માત્ર જે તે વેપારીઓ જ જવાબદાર છે? અથવા તો જે તે ઇમારતના માલિક  જ જવાબદાર છે તેમાં શું અધિકારીઓનો કોઈ હાથ નથી? 


રાજકોટની ગોઝારી ઘટના એ ખરેખર દુઃખદ ઘટના છે અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી સહુ કોઈ પ્રાર્થના કરી રહ્યું છે. પરંતુ આવી ઘટનાઓ બનવા પાછળ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર નથી લગતા? આંખ આડા કાન કરવાની ચેષ્ટા લોકોને મોતના મુખમાં ધકેલી દે છે. અને રાજકોટની ઘટનામાં પણ કંઈક આમ જ બન્યું હોવાનું જણાઈ રહ્યું છે. અગાઉ જયારે સુરતનો  તક્ષશિલા કાંડ થયો હતો ત્યારે પણ તંત્ર સફાળું જાગ્યું હતું અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ કરી અને ત્યાં પણ ફાયર સેફ્ટિના સાધનોની ચકાસણી કરી અને ત્યારે પણ આ જ પ્રકારે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી. થોડા દિવસો થયા અને બધું શાંત થઇ ગયું એટલે જૈસે થે. હવે પુનઃ એક દુર્ઘટના બની અને તંત્ર પાછું એક્શનમાં. હાલમાં તંત્ર દ્વારા જે સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે તે તમામ વેપારીઓ શું ગુનેગાર છે? જો આ વાક્યની ઊંડાણમાં જવામાં આવે તો જવાબ મળશે ના. કારણ કે આ વેપારીઓ અને ઇમારત ધારકો તો ભોગ બનનારા છે. અસલી જવાબદાર તો અધિકારીઓ છે. તેઓ શું કામ આટલા વર્ષો સુધી ઘોર નીંદરમાં રહ્યા? તેઓએ કેમ સમયાંતરે ચકાસણી ન કરી? આ લોકોને જે cc, oc, Bu,ફાયર એન ઓ સી આપવામાં આવે છે તે કોણ આપે છે?  હાલમાં જે કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે સહુ કોઈ પરેશાન છે. જો આ કામગીરી અગાઉ સમયાંતરે કરવામાં આવી હોત તો તકલીફ ન થાત. હાલ ટતો કેટલાયની રોજી રોટી છીનવાઈ રહી છે. કેટલાય દિવસથી કેટલાક વેપારીઓ ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. અને પોતાનો ધંધો વ્યાપાર શરુ થાય તેની રાહ જોઈ રહ્યા છે. કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. વેરો લેતી વખતે પાલિકા દ્વારા આ બધી ચકાસણીઓ કેમ નથી કરવામાં આવતી? ત્યારે આટલી કડકાઈ કેમ નથી કરાતી એવા પણ સવાલો કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલ સુધી શું કોઈ પેટ્રોલ પમ્પ ઉપર ચકાસણી કરાઈ છે? પાલિકા તંત્ર દ્વારા મોટા ભાગની ઇમારતો અને સંસ્થાઓ ઉપર ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે કેટલાક પ્રબુદ્ધ નાગરિકોએ એમ પણ સવાલો કર્યા હતા કે શું હાલ સુધીમાં કોઈ પેટ્રોલ પમ્પ ઉપર ચકાસણી કરવામાં આવી છે? અથવા તો કોઈ મોટા નેતા કે વગ ધરાવતા વ્યક્તિને ત્યાં તપાસ કરવામાં આવી છે? પેટરલો પમ્પ ધરાવતા મોટા ભાગના લોકો રાજકારણી છે અને તેના કારણે તેઓ ઉપર તપાસ નથી થઇ રહી. જે લોકો રાજકીય વગ ધરાવે છે તેઓ સામે તો તંત્ર જોતું પણ નથી. ત્યારે આવી વ્હાલા દવલાની નીતિ કેમ ? એવા પણ સવાલો લોકો કરી રહ્યા છે.




સયાજીગંજનાં તમામ કોમ્પલેક્ષ, હોટેલ,રેસ્ટોરન્ટ, હોસ્પિટલ,બેંકો,શોરુમ વિ. કોમર્શિયલ મિલકતોની તમામ સંબધીત વિભાગે તપાસ કરવી જરુર શહેરના સયાજીગંજ વિસ્તારમાં અનેક હોટલો,રેસ્ટોરન્ટ,કોમ્પલેક્ષ અને શેર બજારનાં બિલ્ડીંગ,બિન અધિકૃત રીતે ચાલી રહ્યા છે.અગ્નિ શમન સુવિધા ના નામે મીંડું છે.આ બધા સામે હવે મનપા એ લાલ આંખો કરી છે.પરંતુ તેમાં પણ કેટલાક ને માત્ર ચેતવણી આપીને છોડી મુકાય છે તો અન્યને નોટિસ થમાવી દઈને સિલ મારી દેવામાં આવે છે.કોઈ ચોક્કસ ધારાધોરણો લાગુ પડતાં નથી.આ બધી બાબતોમાં એક સુસંકલીત નીતિ બનાવીને અમલમાં મૂકવાની જરૂર છે. ચકાસણી દરમિયાન માપદંડો પ્રમાણે જે જે બાબતો ખૂટતી હોય એની ક્ષતિ પૂર્તિ કરાવીને દુકાન ધંધા ખોરવાય નહિ ,રોજગારી ચાલુ રહે અને સુરક્ષાને લગતા જોખમ ઘટે એની તકેદારી લેવાય એવી વેપારી આલમમાં અપેક્ષા છે..સયાજીગંજનાં તમામ કોમ્પલેક્ષ, હોટેલ,રેસ્ટોરન્ટ, હોસ્પિટલ,બેંકો,શોરુમ વિ. કોમર્શિયલ મિલકતોની તમામ સંબધીત વિભાગે તપાસ કરવાની જરુર છે..

Reporter: News Plus

Related Post