વડોદરા : મહાનગર સેવા સદનના વિવિધ વિભાગોમાં કોન્ટ્રેક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કરવાની માગ સાથે આજે પુનઃ એકવાર મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. બપોરે જમવા માટે જવા નીકળેલા મ્યુનિ.કમિશનર દિલીપ રાણાને આંદોલનકારીઓએ માર્ગ ન આપતાં ગાડીમાં જ અડધો કલાક બેસી રહેવાની ફરજ પડી હતી. આખરે તેમને કારમાંથી ઊતરી 3 કિમી ચાલીને ઘરે જવાની ફરજ પડી હતી.
આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે,આ અયોગ્ય છે, સરકારી કામકાજમાં દખલગીરી કરી રહ્યા છે. કર્મચારીઓની ખોટી માગ છે. કર્મચારીઓએ હમારી માગ પૂરી કરો, જય ભીમના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ આંદોલનના પગલે મુખ્ય માર્ગનો વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.
આંદોલનકારીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બે પોલીસ વાનમાં આંદોલનકારીઓને ભરીને લઈ જવામાં આવ્યા.
એક સપ્તાહ પૂર્વે SC-ST કામદાર યુનિયનના અગ્રણી અશ્વિન સોલંકીની આગેવાનીમાં કોન્ટ્રેક્ટ કર્મચારીઓએ કાયમી કરવાની માગ સાથે મોરચો માંડ્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ કર્મચારીઓનો પ્રશ્ન હલ ન થતાં આજે પુનઃ મોટી સંખ્યામાં કર્મચારીઓએ કમિશનર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો.
કર્મચારીઓ કમિશનર ઓફિસમાં ધસી ન જાય એ માટે પાલિકા સિક્યોરિટી દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો, આથી આ ગેટની આવનજાવન કરતા અન્ય અધિકારીઓને બીજા ગેટથી પોતાની ચેમ્બરમાં જવાની ફરજ પડી હતી.
Reporter: admin