વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ લોકસભામાં તેમના કાર્યકાળના પ્રથમ સત્ર દરમિયાન આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ નાયડુજીની દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન યુવા સાંસદે વડોદરાને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સુવિધાનો લાભ આપવા યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરી હતી.
સાંસદે કેબિનેટ મંત્રીને આ સંદર્ભે એક અરજીપત્ર પણ આપ્યો હતો અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત વડોદરા તેમજ આસપાસના મહત્વના મોકાના સ્થળો તેમજ નાના મોટા ઉદ્યોગગૃહોને અનુલક્ષીને વડોદરાના આંતરરાષ્ટ્રીય પ્રવાસ અંગેના મહત્વથી માહિતગાર પણ કર્યા હતા. વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સની શરૂઆત થવાથી વેપાર ઉદ્યોગ કેન્દ્રી મધ્ય ગુજરાતના વિવિધ છ જિલ્લાઓને તેનો સીધો લાભ થશે તેવો મત સાંસદે નાગરિક ઉડ્ડયન વિભાગના કેબિનેટ મંત્રી સમક્ષ મૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થતા ઉદ્યોગકારો માટે પણ તે ખૂબ ઉપયોગી બનશે ઉપરાંત મધ્ય ગુજરાતના આ છ જિલ્લામાં રોજગારીની વિપુલ તકો પણ ઉભી થશે તેવો મત પણ તેમણે કેબિનેટ મંત્રી સમક્ષ મૂક્યો હતો. વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની રજૂઆત કેબિનેટ મંત્રીએ ધ્યાનપૂર્વક લઈ તેનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
આગામી દિવસોમાં સાંસદ હવે આ મુદ્દે કેન્દ્રીય નાણા તથા ગૃહ મંત્રાલયને પણ રજૂઆત કરી આ દિશામાં કાર્યવાહી આગળ ધપાવવા રજૂઆત કરનાર છે. સાંસદની રજૂઆતને પગલે વડોદરાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થવાની તકો હવે ઉજળી થઈ છે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. નાગરિક વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રામ નાયડુજી તથા વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી બંને યુવા સાંસદ હોય સોહાર્દભર્યા વાતાવરણમાં બંને વચ્ચે વૈચારિક આપ લે પણ થઈ હતી.
Reporter: News Plus