સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી નવેમ્બર માસમાં ભવ્યાથી ભવ્ય રીતે ઉજવનારા લક્ષ્મીનારાયણદેવ દ્વિ-શતાબ્દી મહોત્સવના ઉપક્રમે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીની રાહબરી હેઠળ તારીખ ૨૭મીને ગુરુવારના રોજ વડતાલના દેવોને ૨૦૦૦ કિલો લીલી ખારેકનો અન્નકૂટ લક્ષ્મીનારાયણ દેવના કૃપાપાત્ર હરિભક્ત દ્વારા ધરાવવામાં આવ્યો હતો જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિરના દેવોને હરિભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફળો ધરાવવામાં આવે છે અને દેવોની પ્રસન્નતા અર્થે ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવે છે. તા. ૨૭ ને ગુરુવારના રોજ લક્ષ્મીનારાયણ દેવના એક કૃપાપાત્ર હરિભક્ત પરિવાર તરફથી દેવોને ૨૦૦૦ કિલો લીલી ખારેક ધરાવવામાં આવી હતી.
જેનો સવાર અને સાંજ થઈ ૨૫૦૦૦ થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભગવાનને ધરાવવામાં આવેલ લીલી ખારેક શાળામાં અભ્યાસ કરતા બાળકો, અનાથ બાળકોમાં વહેંચવામાં આવનાર હોવાનું અન્નકૂટનું આયોજન કરનાર શ્યામ સ્વામીએ જણાવ્યું હતું. આ સમગ્ર ખારેક કચ્છ-ભુજથી એક વાડીમાંથી લાવવામાં આવી હતી.
Reporter: News Plus