News Portal...

Breaking News :

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ના બીજા દિવસે વડોદરા જિલ્લામાં ૧૬ હજારથી વધારે વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ

2024-06-27 16:28:53
શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ના બીજા દિવસે વડોદરા જિલ્લામાં ૧૬ હજારથી વધારે વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ


સમગ્ર વડોદરા જિલ્લાની અનેક શાળાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪’ ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ કાર્યક્રમના બીજા દિવસે વડોદરા જિલ્લાની વિવિધ શાળાઓમાં ૧૬ હજારથી વધારે બાળકો/વિદ્યાર્થીઓનું શાળા નામાંકન કરવામાં આવ્યું હતું.


આમ, પ્રવેશોત્સવ અંતર્ગત આ બે દિવસમાં વડોદરા જિલ્લામાં કુલ ૩૧,૭૮૭ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ થયો છે.જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડાએ સાવલી તાલુકાની પરથમપુરા (ખાંડી), ખાંડી અને જાલમપુરા પ્રાથમિક શાળાઓની મુલાકાત લઇ બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક તેમજ માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને ઉપયોગ સામગ્રીયુક્ત શૈક્ષણિક કીટ આપીને તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું. કાર્યક્રમના અંતે ગ્રામજનો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સથે બેઠક કરી સરકાર દ્વારા ‘નિપુણ ભારત-નિપુણ ગુજરાત’ અને સમજ સાથે વાંચન અને સંખ્યાજ્ઞાનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ અંગે ગુજરાત સરકારના આ કાર્યક્રમની જાણકારી આપી હતી. કાર્યક્રમના બીજા દિવસે ધારાસભ્યઓ પોતાના મતવિસ્તારની શાળામાં ઉપસ્થિત રહીને શાળા પ્રવેશોત્સવની વિદ્યાર્થીઓ સાથે ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. 


કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની અધ્યક્ષતામાં તાલુકાની ઓસરામ, અટાલી અને કંથારિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો, સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઈનામદારે વડિયા અને ભક્તિ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં,ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ તાલુકાની રાયપુરા, ભાયલી કુમાર-કન્યા અને પ્રગતિ વિદ્યાલય શાળામાં, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નવાપુરા, રામપુરા, નંદેસરી અને નંદેસરી વિદ્યાલયમાં ઉપસ્થિત રહીને બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નીલેશભાઈ પુરાણીએ વાઘોડિયા તાલુકાની જાંબુડિયાપુરા અને આલમગઢ પ્રાથમિક શાળામાં, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જીજ્ઞેશભાઈ વસાવાએ પાદરા તાલુકાની આમલા, સરસવણી અને સી. આર. પટેલ સરસ્વતી વિદ્યાલય શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને શાળામાં હર્ષભેર આવકાર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ ડભોઇ તાલુકાની ખોડીયારનગર, કુંઢેલા સ્ટેશન અને મહાત્મા ગાંધી સાર્વજનિક વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનું શાળા નામાંકન કરાવ્યું હતું.શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મહાનુભાવોએ કાર્યક્રમ બાદ શાળા પરિસરની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે શાળા સંચાલકો-શિક્ષકો-વાલીઓ જોડે પરામર્શ કરવા ઉપરાંત વર્ગખંડની મુલાકાત લઈ શાળાના વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ સાધ્યો હતો તથા તેમની વાંચન-લેખન-ગણન ક્ષમતા પણ તપાસી હતી.


Reporter: News Plus

Related Post