News Portal...

Breaking News :

વાયનાડમાં કુદરતી કોપમાં ૧૨૩થી વધુ લોકોનાં મોત તેમજ ૧૫૦થી વધુ ઈજાગ્રસ્ત

2024-07-31 10:17:51
વાયનાડમાં કુદરતી કોપમાં ૧૨૩થી વધુ લોકોનાં મોત તેમજ ૧૫૦થી વધુ ઈજાગ્રસ્ત


વાયનાડ: પર્વતો વચ્ચે વસેલા વાયનાડમાં મૂશળધાર વરસાદના કારણે પર્વતની જમીન ધસી પડતાં સેંકડો મકાનો દટાઈ ગયા છે. બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને સૈન્યની સાથે મદદ માટે ભારતીય એરફોર્સે એક એમઆઈ-૧૭ અને એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર પણ તૈનાત કર્યું છે.


દક્ષિણ ભારતનું સ્વર્ગ કેરળના વાયનાડમાં  મૂશળધાર વરસાદ પછી મંગળવારે સવારે ભૂસ્ખલન થતાં નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા. આ કુદરતી આપદામાં ૧૨૩થી વધુ લોકોનાં મોત થયા છે જ્યારે ૧૫૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે સેંકડો લોકો પર્વતના કાટમાળમાં દટાયા છે. અહીં બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને સૈન્ય સહિત અનેક એજન્સીઓને કામે લગાવાઈ છે. ચાર કલાકના ટૂંકાગાળામાં ત્રણ ભૂસ્ખલન થવાથી બચાવ કાર્યમાં અવરોધો ઊભા થયા હતા. પીએમ મોદીએ બચાવ કાર્યની સમીક્ષા કરી હતી તથા પીડિતોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી હતી.


કુદરતી સૌંદર્ય અને ચાના બગીચા માટે પ્રખ્યાત કેરળના વાયનાડમાં ભૂસ્ખલને ભયાનક તારાજી વેરી છે. વાયનાડમાં સંભવત પહેલી વખત આવી ભયાનક આપદા ત્રાટકી છે. સમય પસાર થઈ રહ્યો છે તેમ કાટમાળમાંથી વધુ ને વધુ મૃતદેહો બહાર નીકળી રહ્યા છે. કાટમાળમાં દટાયેલા સેંકડો લોકોને શોધવા માટે ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ છે.બચાવ કામગીરી પર નિરિક્ષણ રાખવા પારા રેજિમેન્ટ હેઠળ કાલિકટમાં કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. બીજી બાજુ મૂશળધાર વરસાદના કારણે અનેક લોકો ચલિયાર નદીમાં તણાઈ ગયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.સૂત્રો મુજબ રાહત કાર્ય માટે સૈન્યની ત્રણેય પાંખ અને એનડીઆરએફ સહિતની એજન્સીઓના ૪૦૦થી વધુ લોકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય તિરુવનંતપુરમમાં બે ટુકડીઓને સ્ટેન્ડબાય પર રખાઈ છે.

Reporter: admin

Related Post