પ્રાથમિક શિક્ષણમાં સુધારા અને વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓની રચનાની સાથે ગુજરાત સરકારે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિકાસના રોલ મોડેલ બની ચૂકેલા ગુજરાતમાં વિદ્યાર્થીઓ-યુવાઓ સમય સાથે નહીં, પરંતુ સમયથી બે કદમ આગળ ચાલે, વિશ્વની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવી સર્વગ્રાહી શિક્ષણ વિકાસની સરકારની સંકલ્પબદ્ધતા છે. આ માટે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસનું નિર્માણ, એકલવ્ય મોડલ સ્કૂલ, કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ જેવી અનેક પહેલ શરૂ કરી છે.
છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જે પરિવર્તન આવ્યું છે તે અભૂતપૂર્વ છે. આજે ગુજરાતની સરકારી શાળાઓમાં 5G સ્માર્ટ સુવિધાઓ,સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ ટીચિંગથી આગળ વધીને શિક્ષણ પ્રણાલી નવા આયામો સર કરી રહી છે. વર્ચ્યુઅલ રિયાલિટી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને તેની શક્તિ ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ખૂબ સરળતાથી અનુભવી શકે તે માટે ગુજરાતે સમગ્ર દેશમાં ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ના રૂપમાં ખૂબ મોટું અને મહત્વપૂર્ણ અને પ્રથમ પગલું ભર્યું છે.રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા અને રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે ગુજરાત સરકારે શિક્ષણક્ષેત્રે અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ‘સ્કૂલ ઓફ એક્સલન્સ’ પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે. વર્ષ-૨૦૨૨ માં ગાંધીનગરના અડાલજ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દેશના આ સૌથી મોટા શાળાકીય શિક્ષણ મિશનનો પ્રારંભ થયો હતો.ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટા બજેટ એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં શિક્ષણ વિભાગ માટે રૂ. ૫૫,૧૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે રૂ. ૩૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હાલ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં હજારો નવા ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે. નવા ૪૫ હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. ૧૫ હજાર શાળાઓમાં ૨ લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. તદુપરાંત નવી સરકારી માધ્યમિક શાળાઓ પણ શરૂ કરાશે. આ મિશન હેઠળ ૧૨૦ થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આશરે ૨૦ હજાર શાળાઓને સર્વગ્રાહી વિકસિત કરવામાં આવશે.
આ શાળાઓને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ વિશ્વ સ્તરીય ભૌતિક અને ડિજિટલ માળખાગત સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આગામી ૨ વર્ષમાં આ શાળાઓ ૫૦ હજાર વર્ગખંડો, ૧.૫ લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ, ૨૦ હજાર કમ્પ્યુટર લેબ અને પાંચ હજાર સ્ટેમ લેબથી સજ્જ હશે. વડોદરાની વાત કરીએ તો, વડોદરા શહેર-જિલ્લામાં ૯૪૫ શાળાનો સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૫૨૨ સ્માર્ટ ક્લાસરૂમ બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે ૪૪૧ શાળા કોમ્પ્યુટર લેબ ધરાવે છે. આવી જ રીતે વડોદરામાં ૮૬૧ શાળા બાયસેગ કનેક્ટિવિટી, ૧૦૪૯ શાળા ઈન્ટરનેટ કનેક્ટિવિટી, ૭૭ શાળા એલબીડી/સ્ટેમ લેબ તેમજ ૧૧૭ શાળા ટ્રાન્સપોર્ટેશન સુવિધા ધરાવે છે. તદુપરાંત ૧૨ શાળાનો પીએમ શાળામાં સમાવેશ થાય છે.ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી ગુજરાત સરકાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ વર્ષ-૨૦૨૭ સુધીમાં આશરે રૂ. ૧૦ હજાર કરોડનો ખર્ચ કરશે. આ પ્રોજેક્ટ દ્વારા રાજ્યના ૭૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે. સરકારના આ મિશન એજ્યુકેશનમાં ધો. ૧ થી ૫ ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધીને તેમને આગળનું ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશે. એટલે કે ધો. ૬ થી ધો. ૧૨ ના વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ મળશે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ના ભાગરૂપે નિવાસી શાળાઓ શરૂ કરવામાં આવી છે.૨૨ વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે, ગુજરાતમાં ૧૦૦ માંથી ૨૦ બાળકો શાળાએ જતા ન હતા. એટલે કે, પાંચમો ભાગ શિક્ષણથી વંચિત હતો. પરંતુ આજે શહેરથી લઈ ગ્રામ્ય વિસ્તારમાં પણ દરેક બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. આજે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને ગુણોત્સવનું પરિણામ દેખાઈ રહ્યું છે.મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ હજારો નવા વર્ગખંડો, એક લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ આ શાળાઓમાં આધુનિક રીતે વિકસાવવામાં આવશે. આ શાળાઓમાં માત્ર આધુનિક ડિજિટલ અને ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પરંતુ તે બાળકોના જીવનમાં અને તેમના શિક્ષણમાં મોટો ફેરફાર લાવવાનું અભિયાન છે. અહીં બાળકોની ક્ષમતા વધારવા માટે દરેક પાસાઓ, દરેક પાસાઓ પર કામ કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીની તાકાત શું છે, સુધારણાનો અવકાશ શું છે, તેના પર ફોકસ રહેશે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાની દિશામાં આ એક સીમાચિહ્નરૂપ સાબિત થવા જઈ રહ્યું છે. ગુજરાત દેશના નોલેજ હબ, ઈનોવેશન હબ તરીકે વિકસી રહ્યું છે, ત્યારે ગુજરાતના વિદ્યા જગતને સંપૂર્ણ ખાતરી છે કે ગુજરાત સરકારની ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ આ ભાવનાને આગળ વધારશે.
Reporter: News Plus