વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪ થકી શૈક્ષણિક ક્રાંતિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે ‘સમગ્ર શિક્ષા’ દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં બાળકોને ભણતર અને ઘડતર માટેનું શિક્ષણ મળી રહે તે માટે જરૂરી પૂરક સાહિત્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત આ પ્રવેશોત્સવમાં વડોદરા જિલ્લાની ૧૦૫૭ શાળાઓમાં ખાસ પૂરક સાહિત્યનું વિતરણ કરી એક જવાબદાર નાગરિક નિર્માણની દિશામાં મહત્વનું પગલું આ પ્રવેશોત્સવ થકી ભરવામાં આવ્યું છે.શ્રવણ, કથન, વાંચન અને લેખનના પાયાઓને ધ્યાને રાખી કેળવણીનું કામ માત્ર ભણતર નહીં, પણ બાળકને કેળવી અને એક જવાબદાર નાગરિક નિર્માણનું છે. આ માટે દરેક વર્ગના વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પૂરક સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. આ પૂરક અધ્યયન સાહિત્યની જાણકારી વાલીઓને પણ મળી રહે તે માટે શાળાઓમાં લર્નિંગ કોર્નર ઉભા કરવાનો નવતર અભિગમ આ પ્રવેશોત્સવમાં સમાવવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાની તમામ શાળાઓમાં આ સાહિત્ય પહોંચાડવામાં આવ્યું છે. જેમાં આ સાહિત્યના પરિચય માટે શિક્ષકોને તાલીમ આપી સજ્જ કરવામાં આવશે. ગુણવત્તાયુક્ત શિક્ષણમાં શાળાના શિક્ષકોનું રીયલ ટાઈમ મોનીટરીંગ કરી સીઆરસી કો-ઓર્ડીનેટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.શ્રવણ, કથન, વાંચન અને લેખનને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ૧૨ વાર્તા સંગ્રહ તૈયાર કરવામાં આવ્યા છે.
જેથી “શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે” તે સૂત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થશે.પૂરક સાહિત્યમાં ધો. ૧ થી ૯ માટે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, ધો. ૬ થી ૮ ના બાળકો માટે ખાસ સંસ્કૃત પોકેટ ડાયરી, ધો. ૧ થી ૨ ના બાળકો માટે ખાસ લેખનપોથી, બાલવાટિકા તેમજ ધો. ૧ અને ૨ માટે ફ્લેશ કાર્ડનો એક સેટ તેમજ શાળાના શૈક્ષણિક કર્મયોગીઓ માટે કર્મવેદિકા ડાયરી, ખાસ સ્વ અધ્યયનપોથી આપવામાં આવી છે. તદુપરાંત બાલવાટિકા, ધો.૧ અને ૨ માટે ખાસ ડ્રોઈંગ કીટ બુકનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રવેશોત્સવમાં ધો. ૧ થી ૫ ના તમામ બાળકોને ત્રણ નોટબુક સરકાર તરફથી આપવામાં આવનાર છે. જેથી વાલીઓને ખોટો સ્ટેશનરી ખર્ચ થતો અટકશે. આમ સરકારી શાળાઓમાં ઉત્તમ પ્રકારનું શિક્ષણ મળી રહે તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઈ પાંડે દ્વારા સત્રની શરુઆતમાં જ જિલ્લાના ૨૦૦૦ શિક્ષકો સાથે ચિંતન શિબિર યોજીને શૈક્ષણિક કાર્યને વેગવંતો બનાવવા માટે તેમજ વિવિધ આયામોમાં સો ટકા સિદ્ધિ મળે તે માટે વિવિધ તબક્કે સમીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, સરકાર દ્વારા મળેલું આ શૈક્ષણિક સાહિત્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ આધારિત તૈયાર કર્યું છે.
Reporter: News Plus