પાલઘર : મુંબઈના પરા વસઈ નજીકના નાયગાંવની શાળામાં સાત વર્ષની બાળકી સાથે કૅન્ટીનના સગીર કર્મચારીએ અશ્ર્લીલ કૃત્ય કર્યું હોવાની ઘટના બની છે.
પોલીસે તાબામાં લીધેલા આરોપીએ અન્ય કોઈ બાળકી સાથે આવું કૃત્ય કર્યું નથીને તેની તપાસ માટે પોલીસ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ ચકાસી રહી છે.નાયગાંવ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રમેશ ભામેએ જણાવ્યું હતું કે ફરિયાદને આધારે શુક્રવારે ગુનો નોંધી 16 વર્ષના આરોપીને તાબામાં લેવાયો હતો. ઉત્તર પ્રદેશના વતની એવા આરોપીને રિમાન્ડ હોમમાં મોકલી દેવાયો હતો.પોલીસ ફરિયાદ અનુસાર બાળકીના જાતીય શોષણની ઘટના નાયગાંવની ખાનગી શાળામાં બની હતી. કહેવાય છે કે બીજા ધોરણમાં ભણતી બાળકીએ ગુરુવારે સ્કૂલ કૅન્ટીનમાં જવાનો ઇનકાર કરી દીધો હતો અને ટીચરને તેનું કારણ જણાવ્યું હતું. કૅન્ટીનમાં કામ કરતા ‘અંકલ’ સારા ન હોવાથી અયોગ્ય સ્પર્શ કરતાં હોવા અંગે બાળકીએ કહેતાં ટીચરે પ્રિન્સિપાલને જાણ કરી હતી.
બાળકી પાસે વધુ પૂછપરછ કરવામાં આવતાં છેલ્લા 15 દિવસમાં આરોપીએ ત્રણથી ચાર વખત બાળકી સાથે આવું કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.આ પ્રકરણે પ્રિન્સિપાલે તાત્કાલિક નાયગાંવ પોલીસને માહિતી આપી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 74 અને 79 તેમ જ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે શાળામાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પણ હસ્તક લીધાં હતાં. આરોપીએ બીજી કોઈ બાળકી સાથે આવું કૃત્ય કર્યું નથીને તેની તપાસ પોલીસ કરી રહી છે. આરોપી બે મહિના અગાઉ જ યુપીથી આવીને કૅન્ટીનમાં કામે લાગ્યો હતો.
Reporter: admin