નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે નવી પેંશન યોજનાની જાહેરાત કરી છે. જેને યૂનિફાઇડ પેંશન સ્કીમ (યુપીએસ) નામ આપ્યું છે.
કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી આ યોજના મુજબ જો કોઇ સરકારી કર્મચારીએ ઓછામાં ઓછા ૨૫ વર્ષ કામ કર્યું હોય તો તેના અંતિમ ૧૨ મહિનાના બેઝિક પેના ૫૦ ટકા પેંશન આપવામાં આવશે. જો કોઇ પેંશનના લાભાર્થીનું મોત થાય તો તેના પરિવારને પેંશનની ૬૦ ટકા રકમ મળતી રહેશે. તેવી જ રીતે જો કોઇ કર્મચારી સેવાના ૧૦ વર્ષ બાદ નોકરી છોડી દે તો તેને ૧૦ હજાર રૂપિયા પેંશન તરીકે મળતા રહેશે. આ યોજનાનો હેતુ સરકારી કર્મચારીને સુનિશ્ચિત પેંશન, પારિવારિક પેંશન અને સુનિશ્ચિત લઘુતમ પેંશન આપવાનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે કેબિનેટે શનિવારે આ પેંશન સ્કીમ યુપીએસને મંજૂરી આપી દીધી છે. આ યોજનાથી કેન્દ્ર સરકારના આશરે ૨૩ લાખ કર્મચારીઓને લાભ મળશે.
કર્મચારી ઇચ્છે તો હાલની એનપીએસ પેંશન સ્કીમ અથવા નવી યુપીએસ પેંશન સ્કીમમાંથી કોઇ પણ એકને પસંદ કરી શકે છે. જોકે નવી સ્કીમ હેઠળ મોંઘવારી ઇંડેક્શનનો લાભ નહીં મળે. નવી યોજનાનો અમલ ૧ એપ્રીલ, ૨૦૨૫થી કરવામાં આવશે. જે કર્મચારીઓ નેશનલ પેંશન સિસ્ટમ સાથે જોડાયેલા હોય તેને નવી યોજનાનો લાભ મળશે. નેશનલ પેંશન સિસ્ટમ એવા કર્મચારીઓને લાગુ પડે છે જેઓ ૧ એપ્રીલ, ૨૦૦૪ બાદ નોકરીમાં જોડાયા હોય. આ સાથે જ કેન્દ્ર સરકારની કેબિનેટે બાયોઇ૩ પોલિસીને પણ મંજૂરી આપી છે, જેને બાયોટેક્નોલોજી ફોર ઇકોનોમી, ઇન્વાયરમેન્ટ એન્ડ એમ્પોયમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
Reporter: admin