News Portal...

Breaking News :

મેઘરાજાનું તાડવુ પાલિકાના ઉધા પડ્યા પાંચ પાંડવ

2024-07-24 23:21:59
મેઘરાજાનું તાડવુ પાલિકાના ઉધા પડ્યા પાંચ પાંડવ


શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘો મહેરબાન થઈને અનરાધાર વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. વડોદરાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.સવારથી શરૂ થયેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના રાવપુરા દાંડીયા બજાર રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા જેને કારણે મુખ્ય માર્ગ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં કેર કેળ સુધીના પાણી ભરાતા ટુ-વ્હીલર વાહન ચાલકોના વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા તો બીજી તરફ અનરાધાર વરસેલા વરસાદને પગલે શહેરની મોટાભાગની શાળાઓના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી જેને પગલે સ્કૂલ વર્ધીના વાહનો અને વાલીઓમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ અલકાપુરી ગરનાળામાં પણ વરસાદી પાણીનો ભરાવો થતા ગરનાળાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે સયાજીગંજ થી અલકાપુરી બાજુનો બંને તરફનો રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકોને અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાની નોબત આવી હતી. તમે કેટલાય દિવસથી વડોદરા ના નાગરિકો મેઘરાજાની આતુરતાની રાહ જોતા હતા ત્યારે આજે વડોદરા શહેર પર જઈને મેઘરાજા મહેરબાન થયા હોય એમ સાત ઇંચ થી વધારે વરસાદ વરસાવ્યો હતો. વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં પણ નવા નીર આવ્યા હતા અને વિશ્વામિત્રી નદી બંને કાંઠે વહેતી થઈ હતી.


એક જ દિવસના ભારે વરસાદને પગલે શહેરમાં પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ સદંતર ખોટા પુરવાર થયા હોય એમ લાગી લાગે છે. આખા વડોદરા શહેરના ચારેય ઝોનમાં વરસાદી પાણીના ભરવાને કારણે પ્રજાજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.પાલિકાના પાંચ મહત્વના સત્તાધીશો મેયર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના દંડક અને પક્ષના નેતા આમ આ પાંચ પાંડવોએ શહેરમાં આ વર્ષે વરસાદી પાણી નહિ ભરાય એવા દાવા કરવામાં આવ્યા હતા એ દાવા માત્ર તુતક સાબિત થયા છે. પાલિકાના સત્તાધીશોની સાથે સાથે પદાધિકારીઓની વામની બુદ્ધિને કારણે સમગ્ર દિવસના વરસાદ વચ્ચે શહેરના બે-હાલ થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી મોટી સંખ્યામાં વાહનો પણ બગડ્યા હતા તો બીજી તરફ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં નાગરિકો લાગી ગયા હતા. ખેર, પાલિકાની જાડી ચામડીના અધિકારીઓ દ્વારા પ્રતિવર્ષ માત્ર ગોખલા વચનો આપીને પ્રજાની ડૂબતી નસ પકડીને સબ સલામતના દાવા કરવામાં આવે છે અને કોણ જાણે કેમ પણ પ્રજા પણ હવે આ બધા દાવાઓથી ટેવાઈ ગઈ હોય એવું આજની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. વરસાદી પાણીના ભરાવા વચ્ચે કેટલીક સેવાભાવી સંસ્થાઓ બેઘર અને ભિક્ષુક નાગરિકોને જમવાની સેવા પૂરી પાડીને સંતોષ માનશે એ આવકારદાયક પણ છે પરંતુ પાલિકાના પદાધિકારીઓ અને સત્તાધીશો દ્વારા પ્રતિવર્ષ વરસાદી પાણીના નિકાલ માટે જે ઝીણવટ પૂર્વકનું અને કુનેહયુક્ત આયોજન કરવામાં આવવું જોઈએ તે આયોજન કરી શકતા નથી શહેરની ચો તરફ આવેલી વરસાદી કાંસોમાં લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરીના નામે જે ખેલ કરવામાં આવે છે કે ખેલ હવે જનતા સમક્ષ ઉઘાડો પડી ગયો હોય એવું લાગે છે. સમગ્ર દિવસ દરમિયાન ખાબકેલા વરસાદને કારણે શહેરના મોટાભાગના તમામ જાહેર માર્ગો ઉપર બે ફૂટથી  લઈને પાંચ ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી છે. શહેરના દાંડિયા બજાર રાવપુરા પૂર્વ વિસ્તારમાં આવેલ વાઘોડિયા ચોકડી પરિવાર ચોકડી સોમા તળાવ ઉપરાંત માંજલપુર મકરપુરા જીઆઇડીસી સહિત શહેરના મધ્યમાં આવેલ ચાર દરવાજા વિસ્તારમાં અને એરપોર્ટ સર્કલથી ભૂરા સર્કલ સુધીને તમામ માર્ગો ઉપર વરસાદી પાણી ભરાતા હજારોની સંખ્યામાં વાહન ચાલકો અટવાયા હતા અલબત્ત વરસતા વરસાદમાં પણ ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા ટ્રાફિક નિયમનની જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરીને સલામ કરવી પડે પરંતુ વહીવટી તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ  કરવામાં જે આળસ બતાવી છે અને તેને કારણે જે અગવડો અને હાલાકી વાહનચાલકોએ ભોગવી છે તે ક્યારેય વિસરી શકાય તેમ નથી. શહેરના રાજમાર્ગો ઉપર પાણી ભરાતા અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને વાહન ચાલકોને ડાયવર્ઝન આપીને અન્ય વૈકલ્પિક રસ્તાઓ નો વિકલ્પ આપવામાં આવ્યો હતો.


ભારે વરસાદને પગલે મોટાભાગની શાળાઓએ વિદ્યાર્થીઓને રજા આપી દીધી..વહેલી સવારથી જ શહેરમાં ધીમીધારે શરૂ થયેલ વરસાદે દસ વાગ્યા બાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવીને વરસવાની  ગતિ વધારી હતી..માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી પડતાં શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. ભારે પવન અને મુશળાધાર વરસાદની વચ્ચે રોડ પર પાણી ભરાવાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ નજરે પડ્યા હતા.આ તમામ બાબતોથી શાળાના સંચાલકો અને વડોદરાના  શિક્ષણ વિભાગને માહિતી મળતા શહેરની વીસથી વધારે શાળાઓએ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી. ભારે વરસાદ અને પગલે શાળામાં ગયેલા બાળકોના વાલીઓમાં પણ ચિંતા બેઠી હતી અને બાળકોને સ્કૂલેથી પરત ઘરે લેવા માટે દોડાદોડી કરી મૂકી હતી આ તમામ બાબતો વચ્ચે સુભાનપુરા વિસ્તારમાં એક સ્કૂલ વાનમાં વરસાદી પાણી પ્રવેશી જતા એક તબક્કે સ્થાનિક નગરસેવક શ્રીરંગ આયરે અને સામાજિક કાર્યકરો દ્વારા જેસીબીની મદદથી બાળકોનું સહી સલામત રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદની પગલે પેરેન્ટ્સ એસોસિએશનને શિક્ષણ વિભાગને આગામી બે દિવસ માટે શાળા બંધ રાખવાની રજૂઆત પણ કરી હતી.શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી ભારે વરસાદના પગલે 9 ફૂટ સુધીને પહોંચી છે. શહેરમાં વરસેલા મુશળાધાર વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં નવા નિરની આવક થઈ છે અને નદી બંને કાંઠે વહેતી થઈ હતી. બીજી તરફ આજવા સરોવરની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે થોડા દિવસો પહેલા આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર હતી તે તેમાં આજે વરસેલા વરસાદને કારણે સપાટીમાં બે ફૂટનો વધારો જોવા મળ્યો હતો. હાલ આજવા સરોવરની સપાટી 208 ફૂટ પર સ્થિર થઈ છે. પ્રતિ વર્ષ જો ઉપર વાસના વિસ્તારમાં આ જ પ્રકારે વરસાદ વર્ષે તો આજવા સરોવરની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળે છે તો સાથે સાથે વિશ્વામિત્રીમાં પણ પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ ઉપર વાસમાં નહીંવત વરસાદને પગલે શહેરીજનોને નદીના પૂરની સ્થિતિનો સામનો કરવો નથી પડ્યો એ નસીબની વાત છે.

Reporter:

Related Post