પૂર્વ ધારાસભ્યએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું
ક્ષત્રિય સમાજની લાગણીને માન આપીને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો
વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. અને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. મધુ શ્રીવાસ્તવે ક્ષત્રિય સમાજ અને કોંગ્રેસના ઉમેદવાર સાથે મિટિંગ કર્યા બાદ આ નિર્ણય લીધો છે.વાઘોડિયા બેઠક ઉપરથી 6 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવનાર મધુ શ્રીવાસ્તવની ગત ટર્મમાં કારમી હાર થઇ હતી. જો કે તેઓએ આ વખતે પેટા ચૂંટણીમાં પુનઃ અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું અને ફોર્મ ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભરતી વખતે તેઓએ જણાવ્યું હતું કે વાઘોડિયાની પ્રજા તેઓને ખોબે ખોબે માટે આપીને જીતાડશે. પરંતુ અચાનક બે દિવસમાં એવું થઇ ગયું કે તેઓએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેવું પડ્યું. બન્યું એવું કે તેઓ સાથે કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ દ્વારા બેઠક કરવામાં આવી હતી. અને ક્ષત્રિય સમાજ ઉપર ભાજપાએ જે ટિપ્પણી કરી હતી તેને ધ્યાનમાં રાખી તેઓએ કોંગ્રેસને ટેકો આપવાનું નક્કી કર્યું હતું અને આજે ફોર્મ પરત ખનેચવાની અંતિમ તારીખે તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. તેઓ સાથે કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ પણ જોડાયા હતા તેઓએ તેઓની ઉપસ્થિતિમાં પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું.
Reporter: News Plus