નોકરી પરથી મોડા આવેલા પતિને મોડા કેમ આવ્યા તેમ પૂછતાં ઉશ્કેરાયેલા પતિએ ગેસ પર મૂકેલ બે તપેલીનું ગરમ દૂધ અને ચા પત્ની પર નાંખી માથામાં કૂકર મારી દીધું હતું.
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા ગામે ચૌહાણ ખડકીની મૂળ વતની પરંતુ હાલ વડોદરા નજીક સેવાસીમાં ભાડાના મકાનમાં ત્રણ વર્ષથી રહેતી અંજના શક્તિસિંહ ચૌહાણે તાલુકા પોલીસ સ્ટેશનમાં પતિ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્નને ૧૦ વર્ષ થયા છે તેમજ સંતાનમાં બે પુત્રો છે. મારા પતિ મકરપુરામાં નોકરી કરે છે.
તા.૧૮ના રોજ પતિને નોકરી પરથી આવવાનું મોડુ થઇ જતાં રાત્રે નવ વાગે મેં ફોન કરતા તેઓ ફોન ઉપાડતા ન હતાં, બાદમાં સાડા નવ વાગે પતિ ઘેર આવતા મેં તેમને મોડું કેમ થયું તે અંગે પૂછતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને મારી સાથે ઝઘડો કર્યો હતો. આ વખતે મેં ગેસના બે બર્નર પર મૂકેલ બે તપેલી ઉઠાવીને પતિએ મારા પર ગરમ ચા અને દૂધ ઢોળી દેતા હું પીઠના ભાગે દાઝી ગઇ હતી. બાદમાં પટ્ટો કાઢી મને માર માર્યો હતો તેમજ કૂકરનું ઢાંકણું માથામાં મારી દીધું હતું.પતિએ મને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાના બદલે રાત્રે કણસવા દીધી હતી અને સવારે તેઓ નોકરી પર જતા રહ્યા હતાં. બાદમાં મે સિઘરોટથી મારા પિતાને બોલાવી તેમની સાથે સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ થઇ હતી.
Reporter: News Plus