વડોદરા શહેરના નવાપૂરા વિસ્તારમાં રહેતા લોકોને જાણે કે પાલિકા દ્વારા કાળા પાણીની સજા આપવામાં આવી રહી હોય તેમ છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકો દુષિત પાણી તેમજ ડ્રેનેજની સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે. સ્થાનિક કોર્પોરેટરોને રજુઆત કરી છતાં કોઇ નિરાકરણ ન આવતા સ્થાનિકો ભારે રોષે ભરાયા. આ મામલે વોર્ડ નં.13ના કોંગ્રેસ કોર્પોરેટરે ભાજપ શાસકો અને અધિકારીઓને જવાબદાર ગણાવ્યા.
પ્રાપ્ત માહિતી અનુસાર,શહેરના નવાપૂરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના શુદ્ધ પાણીને બદલે દુર્ગંધ મારતું દૂષિત કાળુ પાણી આવી રહ્યું છે. તેમજ ડ્રેનેજની લાઈન વર્ષો જૂની હોવાથી જર્જરિત થતા ઠેર ઠેર લીકેજ થયા છે. જેથી નવી ડ્રેનેજ લાઈન નાખવા કોર્પોરેશને અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા, પણ કોઇ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી. ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન મિક્સ થતા દૂષિત પાણી આવે છે.આ મામલે સ્થાનિક નાગરિકોએ વારંવાર રજૂઆત કરી પણ તેમ છતા તંત્ર નિંદ્રામાં જોવા મળી. બેજવાબદાર તંત્રના કારણે ભર ચોમાસે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખાં મારવાના વારા આવ્યા છે. દુષિત પાણીના કારણે લોકો પેટમાં દુઃખાવો, તેમજ ઝાડા-ઉલટીના ઝપેટમાં આવ્યા છે. અનેકવાર સ્થાનિક કોર્પોરેટરોને રજુઆત કરી છતાં કોઇ નિરાકરણ ન આવતા સ્થાનિકો ભારે રોષે ભરાયા.આ અંગે સ્થાનિકોનો આક્ષેપ છે કે,છેલ્લા કેટલાય સમયથી ગંદુ કાળું પાણી આવી રહ્યું છે. જાણેકે ફક્ત ડ્રેનેજનું જ પાણી આવતું હોય તેટલું દુર્ગંધ વાળું દુષિત પાણી આવે છે. જેના કારણે બહારથી પૈસા ખર્ચીને પાણી મંગાવવાનો વારો આવ્યો છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ફરિયાદ કરી છે પરંતુ તેમ છતાંય કોઈ નિવેડો આવતો નથી. બધાના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. કેટલાય વર્ષોથી આવી સ્થતિ સર્જાતી હોય છે.દૂષિત પાણીને લઇ વોર્ડ નં.13ના કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુર્વેએ નિવેદન આપ્યું હતું કે, કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા નથી વધારતું. 80 હજાર વસ્તીમાં માત્ર 10 જ કર્મચારીઓ હાજર છે. તેમજ પમ્પિંગ સ્ટેશન 40 વર્ષ જૂનું છે, જેની કેપેસીટી પણ વધારાતી નથી. ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરી પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી.દૂષિત પાણી માટે પાલિકાના ભાજપ શાસકો અને અધિકારીઓ જવાબદાર છે.આ સાથે આ મામલે મેયર પિન્કીબેન સોનીએ નિવેદન આપ્યું હતું કે,સ્થાનિક લોકોએ અમને દુષિત પાણીને લઇ રજુઆત કરી હતી. દૂષિત પાણીના નિરાકરણ માટે કોર્પોરેશન ખાડા ખોધી કોન્ટામિશન શોધી પાણીની લાઇન કાપી રહી છે. પીવાના પાણીનું ટેન્કર મોકલી લોકોને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. અનેકવાર ટેન્ડર પ્રક્રિયા કરી છતાં કોઇ કામ કરવા તૈયાર નથી."
Reporter: admin