લારા દત્તાને ભૂતકાળમાં ભીડમાં ખરાબ અનુભવ થયો હતો. આ ઘટના તેની પહેલી ફિલ્મ ‘અંદાઝ’ના મ્યુઝિક લૉન્ચની ઇવેન્ટની છે. એ ઇવેન્ટ દિલ્હીના ચાંદની ચૌકમાં થઈ હતી. એ વખતે અક્ષયકુમાર અને પ્રિયંકા ચોપડા પણ હાજર હતી. આ ફિલ્મ ૨૦૦૩માં રિલીઝ થઈ હતી. પોતાને થયેલો કડવો અનુભવ યાદ કરતાં લારા કહે છે, ‘મારી પહેલી ફિલ્મ ‘અંદાઝ’ દરમ્યાન હું, અક્ષયકુમાર અને પ્રિયંકા અમે ત્રણેય દિલ્હી ગયાં હતાં. મને લાગે છે કે એ ચાંદની ચૌકના રિધમહાઉસની વાત છે, જ્યાં અમારું મ્યુઝિક રિલીઝ થવાનું હતું. હું પહેલી વખત એક ઍક્ટ્રેસ તરીકે ત્યાં હાજર હતી અને મેં સાડી પહેરી હતી. ભીડમાંથી કોઈએ મને પાછળના ભાગમાં સ્પર્શ કર્યો હતો. મને એ વખતે ભાસ થયો હતો. કદાચ એ મારી મિલિટરી ટ્રેઇનિંગને કારણે હતું કે કંઈ ખોટું થવાનું હોય તો મને અંદાજો આવી જાય છે.
જે સમયે એ હાથ ફરી મારી નજીક આવ્યો ત્યારે મેં તરત એ હાથ પકડીને ભીડમાંથી તે વ્યક્તિને બહાર ખેંચી કાઢી હતી. મેં તેની ભરપૂર પિટાઈ કરી હતી. એ વખતે અક્ષય પણ ચિંતામાં મુકાઈ ગયો અને તે મને ખેંચીને બહાર લઈ આવ્યો હતો. તેણે મને કહ્યું કે ‘તું આ શું કરી રહી છે? તું એક ઍક્ટ્રેસ છે. તું આવું ન કરી શકે.’’
Reporter: News Plus