વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કાશ્મીરી અને દેશી ગુલાબ સહિત ફૂલોની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે એટલે કે આ તાલુકો ગુલાબની સુગંધિત ખેતીનું કેન્દ્ર બન્યો છે.
કરજણ તાલુકામાં મુખ્યત્વે સાયર,મોટી કોરલ, નાની કોરલ, પૂરા, દેરોલી, રણાપૂર, કોઠીયા, મેથી, સીમળી અને દિવેર વગેરે ગામોમાં કાશ્મીરી તથા દેશી ગુલાબની ખેતી થાય છે. કરજણ તાલુકાના કોઠીયા ગામના કંચનભાઈ માછી પોતાની ત્રણ વીઘા જમીનમાં કાશ્મીરી ગુલાબની ખેતી કરે છે. છ વર્ષ પહેલાં તેઓ દેશી ગુલાબની ખેતી કરતા હતા.દરરોજ તેઓ ૬૦ કિલો જેટલા ગુલાબના ફૂલોનું વડોદરામાં વેચાણ કરે છે.જેનો ઓફ સિઝનમાં અંદાજે રૂ.૩૦ જેટલો ભાવ મળી રહે છે.જ્યારે તહેવારોમાં ગુલાબ પ્રતિ કિલો રૂ.૨૦૦ થી ૩૦૦ના ભાવે વેચાય છે.ગુલાબની ખેતીમાંથી તેઓ વર્ષે અંદાજે રૂ.ચારથી પાંચ લાખની આવક મેળવે છે.ગુલાબ ઉપરાંત તેઓ કપાસ,દિવેલા,ભીંડા,ગલગોટાની ખેતી પણ કરે છે.કાશ્મીરી ગુલાબની પાંખડીઓ દેશી ગુલાબની તુલનાએ મોટી અને વધુ સારી હોય છે તેથી ગુલકંદ બનાવવા માટેની ગુણવત્તા સારી રહે છે. કાશ્મીરી ગુલાબ દેશી ગુલાબની સરખામણીમાં વધુ ટકાઉ છે.
આ ગુલાબની વીણી દિવસે કરી શકાય છે.જ્યારે દેશી ગુલાબમાં વીણી રાત્રે કરવી પડે છે.આમ,આ ગુલાબે રાત્રિ જાગરણની અસુવિધાનું નિવારણ કર્યું છે.વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાં ૨૭૦ હેક્ટરમાં, શિનોરમાં ૧૦૦ હેક્ટર સહિત જિલ્લામાં કુલ ૬૬૦ હેક્ટરમાં કાશ્મીરી અને દેશી ગુલાબની ખેતી થાય છે.આ ઉપરાંત જિલ્લામાં ૭૦૦ હેક્ટરમાં ગલગોટા,૨૫૦ હેક્ટરમાં મોગરા,૧૫૦ હેક્ટરમાં લીલી અને જાસ્મીન, ગેલાડિયા,ટ્યુબરોઝની ૧૮૦ હેક્ટર સહિત જિલ્લામાં કુલ બે હજાર ઉપરાંત હેક્ટરમાં ફૂલોની ખેતી થઈ રહી છે.વડોદરા ખાતેના બાગાયત અધિકારી રિચાર્ડ મેકવાને જણાવ્યું કે બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને ગુલાબના વાવેતર માટે હેકટર દીઠ સબસિડી આપવામાં આવે છે. બાગાયત વિભાગ નાના અને સીમાંત ખેડૂતોને હેકટર દીઠ રૂ. ૧૬,૦૦૦ ની અને મોટા ખેડૂતોને હેકટર દીઠ રૂ. ૧૦,૦૦૦ ની વાવેતર સહાય કરે છે.વડોદરા જિલ્લામાં વર્ષ ૨૦૨૨- ૨૩ માં અંદાજે ૩૩ જેટલા ખેડૂતોને ૧૫ હેકટર જમીનમાં ગુલાબની ખેતી માટે અંદાજે રૂ.ત્રણ લાખ વાવેતર સહાય ચુકવવામાં આવી છે. આ વિસ્તારના ખેડૂતો કાશ્મીરી ગુલાબનું વેચાણ વડોદરા, સુરત, અમદાવાદ, ભાવનગર જેવા શહેરોમાં કરે છે.મોટા વેપારીઓ આ ગુલાબ પાર્સલ થી મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં મોકલે છે.
Reporter: News Plus