હરિયાળી ક્રાંતિ બાદ ખેડૂતો દ્વારા મોટે ભાગે કેમિકલ યુક્ત ખાતર અને દવાનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો હતો. તેના કારણે ધીમેધીમે જમીન પણ બંજર બનતી જાય છે સાથે જ ઉત્પાદન પણ ઓછું થઈ જાય છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે ખેડૂતોને સરકાર દ્વારા વિવિધ પ્રકારની તાલીમ અને જાણકારી પણ આપવામાં આવે છે.
આજે આવા જ એક પ્રગતિશીલ ખેડૂત વિશે વાત કરવી છે જેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી સારૂં ઉત્પાદન મેળવી રહ્યા છે.વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ડુંગરીપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત જશુભાઈ ભોઈ પહેલા પરંપરાગત ખેતી જ કરતા હતા. પરંતુ તેમણે વર્ષ ૨૦૧૯થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતરમાં શાકભાજી અને પપૈયાનું વાવેતર કર્યું હતું.લીલા શાકભાજીના ઉત્પાદન દ્વારા સ્વસ્થ આહાર મળી રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. જશુભાઈ ભોઈ છેલ્લા છ વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને અલગ અલગ પાકનું ઉત્પાદન કરી રહ્યા છે. દર વર્ષ લીલા શાકભાજીનુ વાવેતર કરે છે. પ્રાકૃતિક ખેતીને લીધે શાકભાજીમાંથી કુદરતી સ્વાદ મળે છે સાથે જ પ્રાકૃતિક શાકભાજીના સ્વાસ્થ્યલક્ષી ઘણા બધા લાભો થાય છે. પ્રગતિશીલ ખેડૂત જશુભાઈ ભોઈ કહે છે કે, રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે.
જમીનમાં જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગથી જમીનમાં અળસિયાની સંખ્યા વધે છે. જેથી પાક ઉત્પાદનમાં વધારો થયો છે સાથે જ રોગ જીવાતને અટકાવવા માટે ખાસ નિમાસ્ત્રનો ઉપયોગ કરૂં છું. ચાર વિધા જમીનમાં તેઓ આંબો,પપૈયા અને લીલા શાકભાજી જેવા કે પાલક, મેથી,ગુવાર,ભીંડા,ગલકા,રીંગણ અને વાલનું વાવેતર કરે છે. તુવેર અને લીલા ધાણાનું પણ ઉત્પાદન કર્યું છે. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી ઓછા ખર્ચે સારી આવકવાળું ઉત્પાદન કરી ડેસર APMC નજીક આત્મા પ્રોજેકટના સહયોગથી ચાલુ થયેલ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર ખાતે આરોગ્યપ્રદ અને ઝેરમુક્ત શાકભાજીનું વેચાણ કરે છે.રાજય સરકારની ખેતી આધારિત યોજનાઓનો પણ સમયાંતરે લાભ મળી રહ્યો છે. જેને લઈને પ્રાકૃતિક ખેતી વધુ સરળ બની છે. આજના આધુનિક યુગમાં જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. જેમાં રાસાયણિક દવાઓના બેફામ ઉપયોગના કારણે બિમારીઓ દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે સારા સ્વસ્થ માટે દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવે એ સમયની માંગ છે.
Reporter: admin