ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને હવે પાંચ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે ભાજપ મતદારોનો રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ આણંદ બાદ સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધતા કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કર્યા.
જૂનાગઢની સભામાં બોલતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'મહેનત કદાચ મારા નસીબમાં લખેલી છે, મહેનત કદાચ મારા સંસ્કારનો વારસો છે અને મહેનત કદાચ મારી જવાબદારીની પ્રેરણા છે અને એના કારણે ગયા 10 વર્ષમાં આપે મને મોકલ્યા પછી મેં ક્યારેય પાછું વળીને જોયું નથી. 2024ની આ ચૂંટણી મારા(મોદી)ના મિશન માટે છે અને દેશનું ઉજ્જવળ ભવિષ્ય તેમજ દેશને આગળ લઈ જવું એ મારું મિશન છે.
વડાપ્રધાન મોદીએ આજે સૌપ્રથમ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં પહેલી જનસભા સંબોધી હતી. ત્યાર બાદ સુરેન્દ્રનગર ખાતે બીજી સભા સંબોધન કર્યા બાદ પીએમ મોદી સંતો-મહંતો તેમજ નરસિંહ મહેતાની ભૂમી જૂનાગઢમાં સતત ત્રીજી જનસભાને સંબોધવા પહોંચ્યા. અહીં તેમણે જય ગિરનારીના નાદ તેમજ સંતો-વડીલોને પ્રણામ કરીને ચૂંટણી સભાની શરુતાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું કે, 'કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે 75 વર્ષ સુધી બંધારણ ભારતના તમામ ભાગોમાં લાગુ નહોતું. મોદી આવ્યા પહેલા આ દેશમાં બે બંધારણ હતા. બે ધ્વજ અને બે વડાપ્રધાન હતા. આ બંધારણને માથે લઈને નાચતા રાજકુમારોના પરિવારે દેશમાં બંધારણનો અમલ થવા દીધો નથી. કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ પડતું ન હતું. કલમ 370 હતી. સરદાર પટેલની ભૂમિમાંથી આવેલા આ પુત્રે તેમને 370 જમીન પર પછાડીને સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપી હતી
Reporter: News Plus