વડોદરામાં સ્વચ્છતા હી સેવા અભિયાન જિલ્લાભરમાં અત્યંત વેગવંતુ બની રહ્યું છે. અભિયાનને જન જન સુધી પહોચાડવા ઉદ્દેશ્યથી બાજવા પ્રાથમિક શાળા - ૩ ખાતેથી વડોદરાના ઈન્ટરનેશનલ વુશુ બોક્સિંગ સ્ટાર અને મીડિયા ઈન્ફ્લુન્સર મયુરસિંહ ચૌહાણે કાર્યક્રમમાં હાજરી આપીને જિલ્લા વહીવટી તંત્ર વતી સમગ્ર જિલ્લાને સ્વચ્છતા રાખવા અપીલ કરી હતી.
મયુરસિંહ ચૌહાણ કે જેને બોક્સિંગમાં ખેલ મહાકુંભ થી લઈને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચેમ્પિયન બનીને વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. આજે તેમને બાજવા પ્રાથમિક શાળા -૩ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપીને સ્વચ્છતા એ સૌની સામાજિક અને નૈતિક જવાબદારી ગણાવી હતી. બાળકો સાથે સંવાદ કરતા મયુરસિંહે જણાવ્યું કે, જેમ શાળાના વર્ગમાં મોનીટર હોય છે તેવી જ રીતે ઉપસ્થિત તમામ બાળકો બાજવા ગામના સ્વચ્છતા મોનીટર બની પોતાના ગામને સ્વચ્છાગ્રહી બનાવમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વધુમાં પોતાના વક્તવ્ય થકી સમગ્ર જિલ્લા વાસીઓને જિલ્લા વહીવટી તંત્ર તરફથી સ્વચ્છતા સેવા ઝુંબેશમાં જોડાવા માટે અપીલ કરી હતી.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે સ્વચ્છતાનું આ અભિયાન જનભાગીદારીનું અભિયાન છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના દેશને સ્વચ્છ બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે દરેક વ્યક્તિએ તેમાં જોડાવું ખુબજ જરૂરી છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત બાજવા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દ્વારા સ્વાગત ગીત તથા સ્વચ્છતાનું મહત્વ સમજાવતું અભિનય ગીત રજૂ કર્યું હતું.
આ સાથે શાળામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજાયેલ ચિત્ર સ્પર્ધાના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓને પોષણ માહ અંતર્ગત રાષ્ટ્રીય પોષણ માસ ૨૦૨૪ ની પાંચ થીમ અને પોષણની કક્કો તથા ABCD વિશે વિશેષ સમજૂતી આપી હતી. 'એક પેડ મા કે નામ' અન્વયે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા આયુષ અધિકારી ડૉ. સુધીર જોષી, તાલુકા વિકાસ અધિકારી વિકાસ પ્રજાપતિ, ગામના સરપંચ રોમલબેન, મેડિકલ ઓફિસર ડો. કિન્નરી જોશી, એસબીએમના રૂપાબેન, આંગણવાડીની બહેનો, આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ, બાજવા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત હતા.
Reporter: