*સ્વયં અને સમાજ માટે યોગ થીમ પર વડોદરા જિલ્લામાં થશે વિશ્વ યોગ દિનની ઉજવણી*
*વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નારાયણ સરોવર ચાણસદ ખાતે યોજાશે*
*ચાણસદ ખાતે નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિએ તૈયારીઓની કરી સમીક્ષા સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જુનના દિવસને "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં તા.૨૧મી જૂનના રોજ વિશાળ જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિએ આજે ચાણસદ સ્થિત નારાયણ સરોવરની મુલાકાત લઈ યોગ દિનની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા કરી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમ અંદાજે બે હજાર ઉપરાંત નાગરિકો જોડાઇ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરશે.
વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા તાલુકાના ચાણસદ,નારાયણ સરોવર ખાતે યોજવામાં આવ્યો છે.આ ઉપરાંત વડોદરા તાલુકાનો કક્ષાનો કાર્યક્રમ વ્યાસેશ્વર મહાદેવ - દેના, ભીમનાથ મહાદેવ સાવલી,એમ.કે. હાઈસ્કુલ,ડેસર, તાલુકા પ્રાથમિક શાળા વાઘોડીયા,લકુલેશ વિદ્યામંદિર, કાયાવરોહણ,ગજાનંદ આશ્રમ,માલસર અને નારેશ્વર મંદિર લીલોડ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લામાં જિલ્લા,તાલુકા, નગરપાલિકા,ગ્રામ્ય, શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓ ખાતે યોગ દિવસના કાર્યક્રમોનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાના આઇકોનિક,ધાર્મિક,હેરિટેજ સ્થળોએ પણ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી રાજેશ ચૌહાણ, મામલતદારશ્રી હંસરાજસિંહ ગોહિલ ,તાલુકા વિકાસ અધિકારી સહિત રમત ગમત વિભાગના અધિકારીઓ, નિનાદ જાની હાજર રહ્યા હતા.
Reporter: News Plus