વડોદરા શહેરમાં પાછલા વર્ષોમાં એક ઇંચ વરસાદ પડે તો પણ અનેક વિસ્તારો પાણી પાણી થઇ જતા હતા. અગાઉના વર્ષોમાં પણ પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી પરંતુ તે યોગ્ય રીતે કરવામાં ન આવતા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું.
ત્યારે હવે ચોમાસુ દસ્તક દઈ રહ્યું છે તેવામાં હજુયે એવી ઘણી કાંસ છે જે ઉભરાઇ રહી છે અને તેની સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી નથી. વડોદરા શહેર તેમજ જિલ્લામાં પ્રિ મોન્સૂન કામગીરી પુરજોશમાં કરવામાં આવી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. મનપા વિસ્તારમાં તો 100 ટકા કામગીરી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું તો જિલ્લામાં 80 ટકા કામગીરી પૂર્ણ થઇ હોવાના દાવા કરાઈ રહ્યા છે.ચોમાસુ શરુ થાય તે પહેલા એપ્રિલ મહિનામાં જિલ્લા કલેક્ટર દ્વારા પણ સંકલનની બેઠક બોલાવવામાં આવી હતી અને પ્રિ મોન્સૂન કામગીરી મે મહિના પહેલા પૂર્ણ કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. જો કે હજુ પણ કેટલાય વિસ્તારોમાં વરસાદી કાંસ સાફ કરવામાં આવ્યા નથી. હજુ પણ કેટલાય સ્થળોએ તે ઉભરાઈ રહ્યા છે અને ગટરનું પાણી તેમાં મિશ્રિત થઇ રહ્યું છે. એવામાં હવે જો ધોધમાર વરસાદ પડે તો આ કાંસમાંથી પાણી જવાની શક્યતાઓ જ જણાઈ રહી નથી.
તો શું માત્ર કામગીરી કાગળ ઉપર જ કરવામાં આવી છે? અધિકારીઓ શું કલેક્ટરના આદેશને પણ ઘોળીને પી ગયા છે? ભૂતકાળમાં વરસાદી કાંસની યોગ્ય રીતે સાફસફાઈના અભાવે જ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આ વખતે ચોમાસામાં શું સ્થિતિ સર્જાય છે તે જોવું રહ્યું ચોમાસા માટે વહીવટી તંત્ર સજ્જ છે. વડોદરા મનપાની હદમાં મોટાભાગની કાંસ સાફ થઇ ગઈ છે. નોટીફાઈડ એરિયામાં પણ સાફ સફાઈ પૂર્ણતાના આરે છે. 80 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન તમામ કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવશે. ચોમાસા માટે તંત્ર સજ્જ છે. પૂરની સ્થિતિ સર્જાશે તો સ્થળાંતર માટેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. - બીજલ શાહ, કલેક્ટર
Reporter: News Plus