સયાજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ આરોપી ભાનમાં આવતાં પોલીસનો જીવ હેઠો બેઠો
ફતેગંજ પોલીસ મથકની કસ્ટડીમાં આરોપી બેભાન થઈ ઢળી પડતાં પીઆઈ સહિત અન્ય પોલીસ કર્મીઓ આરોપીને ઊંચકી સારવાર માટે જુદી જુદી બે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.છેલ્લે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા બાદ આરોપી ભાનમાં આવતા પોલીસના જીવમાં જીવ આવ્યો હતો.
છાણી જકાતનાકા પાસે મણીકૃપા હોટલના સંચાલકને ગોરવાના વ્યાજખોરે મહિને 10 ટકા લેખે 5 લાખ વ્યાજે આપ્યા બાદ વ્યાજ 30 ટકા કરી દીધું હતું. હોટલ સંચાલકે 32 લાખ ચૂકવી દીધા હોવા છતાં ઉઘરાણી ચાલુ રહેતાં કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો હતો.
પોલીસે અમજદ ઉર્ફે નનુ શરીફખાન પઠાણ (આલીયા રેસીડન્સી, ગોરવા, હાલ ચિસ્તીયાનગર, છાણી જકાતનાકા) ને ઝડપી કાર્યવાહી કરી હતી. દરમિયાન કસ્ટડીમાં તે બેભાન થઈ જતાં ફતેગંજ પોલીસ મથકના કર્મચારીઓ ગભરાઈ ગયા હતા અને જુદી જુદી 3 જીપ લઇ આરોપીને નજીકની ખાનગી હોસ્પિટલ બાદમાં છાણીની હોસ્પિટલ અને અંતે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં આરોપી ભાનમાં આવતાં પોલીસનો શ્વાસ હેઠો બેઠો હતો. આ સમય દરમિયાન પોલીસની ત્રણથી ચાર જીપ સાઇરન વગાડવાની સાથે દોડાદોડ કરતાં વાહન ચાલકો અને રહીશોમાં કુતૂહલ જાગ્યું હતુ
Reporter: News Plus