News Portal...

Breaking News :

બે બિલાડાની લડાઈમાં ત્રીજો ફાવી જાય તેવો ઘાટ, ભાજપાના શહેર પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી માટે બે કદાવર નેતાઓનું લોબિંગ શરુ

2024-08-12 14:31:14
બે બિલાડાની લડાઈમાં ત્રીજો ફાવી જાય તેવો ઘાટ, ભાજપાના શહેર પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી માટે બે કદાવર નેતાઓનું લોબિંગ શરુ


ભાજપામાં ટૂંક જ સમયમાં વિવિધ પદ માટેની નિમણુંક થવાની છે. જેમાં પ્રદેશ મહામંત્રીની ખાલી પડેલી જગ્યા તેમજ વડોદરા શહેર ભાજપા પ્રમુખની પણ નિમણુંક કરવામાં આવશે. ત્યારે આ પદમાં પોતાનો દબદબો રહે તે માટે શહેરના બે કદાવર નેતાઓએ લોબિંગ શરુ કરી દીધું છે. એક નેતા છેક દિલ્હી સુધી જઈ આવ્યા. તો બીજાએ શહેરના જ અન્ય કાર્યકરોને પોતાની તરફે કરવાની તૈયારીઓ કરી દીધી છે. અને બંને નેતાઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. 


ભાજપામાં હાલમાં પદ મેળવવા માટે ભારે તડાફડી ચાલી રહી છે. એક પદથી સંતુષ્ટ ન રહી અન્ય પદમાં  પણ પોતાનો જ દબદબો રહે તે માટેની તૈયારીઓ દરેક મોટા ગજાના નેતાઓ કરતા જ હોય છે. લોકસભાની ચૂંટણીઓ બાદ હવે મોટા ભાગના જિલ્લાઓમાં નવા પ્રમુખની નિમણુંક કરવામાં આવશે.પ્રદેશ ભાજપાના મહામંત્રી તરીકેની જગ્યા પણ ખાલી પડી છે. ત્યારે આ બંને પદ ઉપર પોતાના માનીતા ગોઠવાય તે માટે હાલ ભારે લોબિંગ ચાલી રહ્યું છે. અને આ લોબિંગ નાના સૂના નેતાઓનું કામ નથી પરંતુ બે કદાવર નેતાઓ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ ભોગે પદ પોતાની પાસે જ રહે એટલે કે પોતાના જ માનીતાને મળે તે માટેના કાવાદાવાઓ શરુ કરી દેવામાં આવ્યા છે. એક નેતા તો તાજેતરમાં જ દિલ્હી દર્શન કરી આવ્યા અને ગોડફાધરની શરણે જઈ આવ્યા. ત્યાં ચૂંટાયેલી પાંખ તેઓની સાથે છે તેવો દેખાડો કરી દીધો હતો. અને આડકતરી રીતે સંદેશ પહોંચતો કરી દીધો હતો. 


બીજા નેતા શહેરમાં જ કેટલાક મોટા કદના કાર્યકરોને પોતાની તરફેણમાં કરી રહ્યા છે. અલગ રીતે જ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. કોઈ પણ ભોગે વડોદરામાં પોતાના માનીતા જ આ પદ ઉપર ગોઠવાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બંને કદાવર નેતાઓએ તો તિજોરીઓ પણ ખુલ્લી મૂકી દીધી છે અને પદ માટે રીતસરની બોલી લગાવવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે કેટલાક આવડત ન ધરાવતા નેતાઓને તેઓ પોતાનો ચહેરો બનાવી રહ્યા છે. ચૂંટણી પૂર્વે પ્રદેશ મહામંત્રી પદેથી ભાર્ગવ ભટ્ટને દૂર કરવામાં આવ્યા હતા.તેઓ દરેક તબક્કે અસફળ રહ્યા.ન સ્થાનિક સંગઠનને મજબૂત કરી શક્યા, ન પ્રદેશ કક્ષાએ કામગીરી બતાવી શક્યા.ફરી આવી મોટી ભૂલ ન થાય તેની પણ કાળજી રાખવી જ પડશે. જો કે આ તો ભાજપા છે બેની લડાઈમાં કોઈ ત્રીજું જ  ફાવી જાય તેવી પુરી શક્યતા છે. ત્યારે પદની આ આંતરિક લડાઈ હજુ કેટલે સુધી પહોંચે છે તે જોવું રહ્યું. ભાર્ગવ ભટ્ટને પસંદ કરીને જેમ સંગઠને મોટી ભૂલ કરી હતી તેવી ફરી ભૂલ ન થાય તે જરુરી છે. જે નેતા સ્થાનિક કાર્યકરોને પણ જો સાચવી ના શકતા હોય કે પદાધિકારીઓ વચ્ચે લડાઈ કરાવતા હોય, કાર્યકરો ઉપર પોતાનો કંટ્રોલ ના હોય, તેવો નેતા પ્રદેશ લેવલે જઈને શું કરશે ? પ્રદેશ લેવલે વડોદરામાંથી કોઈપણ નેતાને સંગઠનમાં પસંદ ન કરાય તેવી પુરી શક્યતા છે.

Reporter: admin

Related Post