વડોદરા શહેરના માણેજા ફાટક પાસે આવેલ 19 રાધા કૃષ્ણ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે એક સાથે 8 થી 9 મકાનોની આગળનો સ્લેબ તૂટી પડતા ત્રણથી વધુ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બનતા લોકોમાં ભારે ફફડાટ સાથે બિલ્ડર સામે રોષ વ્યકત કર્યો હતો.
વડોદરા શહેરમાં રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ઝાડ પડવા હોર્ડિંગ તૂટી પડવા સહિત કેટલીક જર્જરીત ઇમારતોનો કેટલોક ભાગ પણ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી હતી. તેવામાં એક સાથે આઠથી નવ મકાનો નો સ્લેબ તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ જેટલી વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.માણેજા ફાટક પાસે તુલસી વાટિકા સામે આવેલ 19 રાધા કૃષ્ણ પાર્ક સોસાયટીમાં ગતરાત્રિના 12:00 વાગ્યાની આસપાસ લોકો પોતાના ઘર આંગણે આરામ ફરમાવી રહ્યા હતા તેવા સમય દરમિયાન અચાનક એક સાથે આઠથી નવ મકાનોની છત તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
જ્યારે આ ઘટનામાં ત્રણ જેટલી મહિલાઓને ઈજા પહોંચી હતી. સ્થાનિક પિયુષભાઈ પરમારે જણાવ્યું હતું કે, સ્લેબ પડી ગયો છે. જેમાં મારી પત્નીને વધારે ઈજા પહોંચી છે. 5 થી 6 જગ્યા પર શરીરના ભાગે ક્રેક પડી છે. બિલ્ડરની બેદરકારી છે. તેની સામે પગલાં લેવા જોઈએ. 8 થી 9 મકાનોની છત તૂટી પડી હતી. જ્યારે અનિતાબેને જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની બહાર બેસી રહ્યા હતા અને બાળકને ખવડાવી રહ્યા હતા એકદમ જ ઉપરથી છતનો ભાગ તૂટી પડ્યો, ફસાઈ ગયા હતા, અમે બુમાબુમ કરતા લોકોએ દોડી આવી અમને બહાર કાઢ્યા માંડ માંડ અમે બચી ગયા છે.
Reporter: News Plus