હવે આ શહેરની સડકોના કિનારે ચાલતા અને એના પર સાયકલ જેવું નિર્દોષ વાહન ચલાવતા ખૂબ બીક લાગે છે.રાત્રે સપનું આવે છે કે ચાલતા જનાર પર વાહન ચડાવી કોઈ કચડી રહ્યું છે અને ઊંઘ ઉડી જતાં પરસેવે રેબઝેબ થઈ જવાય છે.છેલ્લા છ મહિનામાં ત્રીજી કે ચોથી ગણાય એવી વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે.ડોકટરો કહે છે આરોગ્ય સાચવવા રોજ ચાલવાની આદત પાડો.પણ આ નિર્દોષ આદત હવે જીવલેણ બની છે.ચાલવા નીકળવા થી તંદુરસ્તી સચવાતી હશે પણ કોઈ ગાંડીતૂર ગાડી સીધી સ્વર્ગ તરફ લઈ જાય એવું બની શકે છે.નવી ઘટનામાં એક મોત થયું છે.જૂની ઘટનામાં ઘવાયેલી દીકરી હજુ અર્ધ મૂર્છિત છે.સારવારના ખર્ચથી એના ઘરનું અર્થ તંત્ર લકવાગ્રસ્ત થઈ રહ્યું છે.ત્યાં સડક કિનારે ચાલવાનો ગુનો કરનાર વધુ એક સજ્જન અર્ધા શરીર થી મૂર્છિત થઈ ગયા છે.પેલી દીકરીની ઘટના પછી બૌ ઉહાપોહ થયો ત્યારે નાછૂટકે તપાસ શરૂ થઈ.પણ એ તપાસ હજુ અર્ધ મૂર્છિત જેવી ચાલી રહી છે.
ખોટું ખૂબ જલ્દી લાગી જાય પરંતુ ખોટું લગાડવું ના જોઈએ.હાલમાં હાલમાં એક યા બીજી સિદ્ધિ કે સફળતા માટે એક થી વધુ લોકો પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.કોઈ નવી સરકારને,કોઈ એમાં સ્થાન મેળવનાર ને તો કોઈ વિજય ની વરમાળા પહેરનાર ને અભિનંદન આપે છે.આપવા જ જોઈએ,સફળતા પોંખાવી જ જોઈએ.પરંતુ આ શહેરમાં કોઈ એવો વીરલો કે હીરલો નથી જે અભિનંદન ના હોરડિંગ પર આ દીકરીનો ફોટો મૂકીને એવું લખે કે યશસ્વી સફળતા માટે દિલથી અભિનંદન.પરંતુ આ બધાથી પરવારી ૫ મિનિટનો સમય આ દીકરીની મુલાકાત લેવા માટે ફાળવજો. એના માતાપિતા ને આશ્વાસન ની હુંફ આપજો.પોલીસ તંત્રને આ કેસમાં ઝડપી તપાસ કરીને ગુનેગાર ને પકડવાની થોડી ભલામણ કરજો.શું આવી સંવેદના દાખવો તો ગુનો ગણાય.જો ગણાતો હોય તો માનવતા ના નાતે આ ગુનો કરવા જેવો છે.આત્મા ને સંતોષ મળે એવો રળિયામણો આ ગુનો બનશે.અને કોઈએ ન્યુઝ પલ્સની આ વેદના અભિવ્યક્તિ માટે માથે બંધબેસતી પાઘડી પહેરી લેવાની જરૂર નથી.સત્તા કે વિપક્ષની સીમાઓ થી અંતર રાખીને બળતી લાગણીઓની મૂંઝવણ થી આ ટીકા કરવામાં આવી છે.
જે રીતે મોટા અકસ્માતો પ્રસંગે સરકાર મૃતકોના પરિવારો અને ઇજાગ્રસ્તો ને સારવારની સહાય આપે છે. હિટ એન્ડ રનના અસરગ્રસ્તો માટે એવી સહાય જાહેર કરવી જરૂરી છે.એનો ખર્ચ અકસ્માત માટે જવાબદાર હોય એના પરિવાર પાસે થી વસૂલ કરવો જ જોઈએ.બીજું કે આ પ્રકારના બેફામ વાહન ચાલકો ને જે લોકો પોતાના વાહન ચલાવવા આપે છે એ સગા,સંબંધી કે મિત્રો નું ડ્રાઈવિંગ લાયસન્સ તાત્કાલિક અસર થી આજીવન રદ કરવું જોઈએ.પોતાની માલિકીના વાહનનો કોઈ દુરુપયોગ ના કરે,બિન અધિકૃત વપરાશ ના કરે એ જોવાની જવાબદારી માલિકની પોતાની છે.અકસ્માતને લીધે મૂર્છિત થઈ છે,સારવાર હેઠળ છે એ દીકરીના પરિવારની મદદે સમાજે ઊભા રહેવું જોઈએ.તેના માટે ફંડ રાઇઝિંગ થઈ શકે.જ્યાં નયુરોલોજી ની ઉત્તમ સારવાર સુવિધા ઉપલબ્ધ છે એવી સરકારી હોસ્પિટલમાં સરકારી ખર્ચે એની સારવાર કરાવી શકાય.મુંબઈ ની કદાચ એક ખાનગી હોસ્પિટલે જાતીય હુમલાનો ભોગ બનીને આજીવન મૂર્છિત રહેલી એક કર્મચારી મહિલાની જીવનના અંત સુધી સંભાળ લીધી એ કિસ્સો જાણીતો છે.ટુંકમાં,આ પ્રકારના ગુના આચરનાર સામે જ્યાં સુધી ઝડપી, તટસ્થ તપાસ નહી થાય, આકરી સજા નહિ થાય ત્યાં સુધી ધાક બેસવાની નથી,ગુનેગારો ને ડર લાગવાનો નથી.અને ડર કે આગે હિ તો જીત હૈ સરકાર..
Reporter: News Plus