અબડાસા: પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના નલિયા અને આસપાસના વિસ્તારમાં દેશી-વિદેશી દારૂની બદી વધી હોય સ્થાનિક મહીલાઓ રણચંડી બની હતી અને દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
વાઈરલ વીડિયોમાં મહિલાઓ એક ઢાબા પર તોડફોડ કરતી અને બાદમાં દારૂ બનાવવાની સામગ્રી એકત્ર કરી સળગાવતી જોવા મળી રહી છે. મહિલાઓએ જાતે જ દારૂના અડ્ડા પર દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરીને લઈ પણ સવાલો ઉઠ્યા છે. મહિલાઓની જનતા રેડ બાદ પોલીસે દેશીદારૂના વેચાણ અંગેનો એક વ્યકિત સામે ગુનો નોંધ્યો હતો.નલિયા નજીક આવેલા છાડુંરા ગામ પાસે એક ઢાબામાં દેશી દારુનું વેચાણ થતું હોવાની સ્થાનિક મહિલાઓને જાણ થતા મહિલાઓ દારૂના અડ્ડા પર પહોંચી હતી.
મહિલાઓએ હલ્લાબોલ કરી દારૂના અડ્ડામાં તોડફોડ કરી હતી અને દારૂ બનાવવાની સામગ્રી એક જગ્યા પર એકત્ર કરી સળગાવી નાખી હતી. આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે.કચ્છમા દારૂના ખુલ્લેઆમ ચાલી રહેલા વેપલા સામે કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નલિયા સીપીઆઈ અને પીઆઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. નલિયાથી ત્રણ કિમી દારૂ છાડુરા ગામ પાસે આવેલા ઢાબા પર પણ પ્યાસીઓ ભેગા થતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
Reporter: admin