ડાકોર : આષાઢી બીજે યાત્રાધામ ડાકોરમાં ૨૫૨ મી રથયાત્રા નીકળી હતી. જેમાં ઠાકોરજી નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપ્યા હતા.
રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાયા હતા.ચાંદીના રથમાં ઠાકોરજીને બિરાજમાન કરી ૮ કિ.મી.ની રથયાત્રા જય રણછોડ...ના નાદ સાથે, ભક્તોના જયકારા સાથે અબીલ-ગુલાલની છોડો, ઢોલનગારા , ભજન મંડળીઓ, કરતબબાજોની હાજરીમાં નીકળી હતી. ડાકોરની આ ભવ્યાતિભવ્ય રથયાત્રા જોવા ગુજરાતભરમાંથી હજારો લોકો ઉમટી પડયા હતા. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, નાસ્તા , ભોજન સહિતની વ્યવસ્થા પણ ભક્તો માટે કરવામાં આવી છે. ભગવાનની પ્રસાદી પણ ભક્તોને અપાઈ હતી.ડાકોર મંદિર ના સેવક આગેવાનોના જણાવ્યા પ્રમાણે આજે રવિવારે સવારે પુષ્ય નક્ષત્રમાં મંદિરના ઘુમ્મટમાં ચાંદીના રથનું અધિવાસન કરી ઠાકોરજીની આજ્ઞા માળા ધારણ કરાવી અને ગોપાલલાલજીને બીરાજમાન કરાવવામાં આવ્યા હતા.
પછી ડાકોરના નવયુવાનો દ્વારા રથ ખેંચવાની પરંપરા મુજબ મંદિર પરિસરમાં કુંજોમાં ગોપાલલાલજીને બેસાડી મગવૈઢા કેરી જાંબુ સાકારનો પ્રસાદ ભક્તો અને કુંજ રાખનાર વૈષ્ણવો દ્વારા ધરાવવામાં આવ્યા હતા.ગોપાલલજીને સુખપાલના બેસાડીને મંદિરની બહાર જોતરે જોડેલા ચાંદીના રથમાં બેસાડીને રથયાત્રા તેના રૂટ પર નીકળ્યા ત્યારે રથયાત્રાની સાથે વર્ષોથી આવતી વડોદરાની ભાલત્રાસ મંડળી ડાકોરની ભાવસાર મંડળી વૈદ્યરાજ મંડળીઓ સાથે ડાકોરના કરતબ બાજો અને છાશ મગવૈઢા પાણીની સેવાકીય સંસ્થાઓ જોડાઈ હતી.,રથયાત્રા ૮ કિલોમીટરના રૂટ પર નીકળી હતી. ઠાકોરજીની શાહી સવારી ગૌશાળા ત્રિકામજી મંદિર ભરતભુવન નરસિંહ ટેકરી રાધાકુંડ મોખાતલાવડી વાડફાર્મ રણછોડપુરા કેવડેશ્વર મહાદેવ લક્ષ્મીજી મંદિર સત્યભામા થઈને રણછોડજી મંદિર પરત આવશે.
Reporter: News Plus