ઉદયપુર: રાજસ્થાનમાં ચાકુબાજીની ઘટનામાં આરોપીના ઉદેપુરમાં ખાંજીપીરની દીવાનશાહ કોલોનીમાં આવેલા ગેરકાયદેસર ઘર પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવ્યું છે.
આ દરમિયાન બુલડોઝર ચલાવતી વખતે પોલીસને સાથે રાખીને તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, આરોપીનો પરિવાર આ ઘરમાં ભાડેથી રહેતો હતો. થોડા દિવસો પહેલા બન્ને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગઈ કાલે એક વિદ્યાર્થી તેની કૉલેજ બેગમાં ચાકુ લઈને આવ્યો અને અન્ય બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આ પછી ક્લાસરૂમમાં અવાજ થતાં સ્કૂલ સ્ટાફને સમગ્ર ઘટનાની જાણકારી મળી હતી. જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણકારી લોકોને થવાની સાથે મોટી સંખ્યામાં ટોળું રસ્તા પર ઉતરી આવ્યું અને બહાર પાર્ક કરેલા વાહનો પર પથ્થરમારો કરવાનું શરુ કરી દીધું હતું. આ ઉપરાંત, ટોળાએ કેટલાક વાહનોમાં આગ પણ લગાવી હતી. આ પછી શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. તેવામાં સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે આવીને સ્થિતિ કાબૂમાં કરી હતી. બીજી તરફ, સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જિલ્લામાં ઇન્ટરનેટ સેવા શુક્રવાર રાતના 10 વાગ્યાથી શનિવાર રાતના 10 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જિલ્લામાં 163 કલમ લાગુ કરવામાં આવી છે.
Reporter: admin