સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગેસ રિપેરિંગની આડમાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. પોલીસે 7 કલાકનું ઓપરેશન હાથ ધરી 13 દુકાન પર છાપો મારી સમગ્ર નેટવર્ક ઝડપી પાડ્યું હતું. જેમાં 13 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ દ્વારા ગેરકાયદે કેવી રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવે છે? તેનો પણ ડેમો બતાવ્યો હતો. જેમાં લોકોના જીવ સાથે જોખમ તો ઊભું કરી જ રહ્યા છે, સાથે પોતાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા હતાં.13 જગ્યાએ ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ સુરતમાંથી ફરી એક વખત ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગેસ રિફિલિંગ ઝડપાયું છે. કાપોદ્રા વિસ્તારમાં 13 જગ્યાઓ પર ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. કાપોદ્રા પોલીસને માહિતી મળી હતી કે, કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેસ રિપેરિંગની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે. જે માહિતીને આધારે પોલીસે આખું ઓપરેશન હાથ ધરી છાપો માર્યો હતો.આરોપીએ ગેસ રિફિલિંગનો લાઈવ ડેમો બતાવ્યો.
પોલીસે 13 લોકોને ઝડપી પાડ્યાં કાપોદ્રા પોલીસ સ્ટેશનની ચાર જેટલી ટીમો બનાવવામાં આવી હતી. 20 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા દીનદયાળ વસાહત, મરઘા કેન્દ્ર વડવાળા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ પાસે, રામકૃષ્ણ કોલોની ભરવાડ ફળિયા, મોહન બાગ બરોડા પ્રિસ્ટેઝ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગેસ રિપેરિંગની આડમાં દુકાનમાં ચાલતું ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ઝડપી પાડ્યું હતું. પોલીસ દ્વારા રેડ કરી 13 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. વજન કાંટા પણ મળ્યાં.
ગેસ રિફિલિંગના હાઈટેક સાધનો જપ્ત આ મામલે વી. આર. પટેલ એસીપીએ જણાવ્યું હતું કે, ગેસ રિપેરિંગની આડમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી આપતા હતા. કાપોદ્રા પોલીસે 13 આરોપીની ધરપકડ કરી દુકાનમાંથી અલગ-અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાપોદ્રા પોલીસ દ્વારા 41 મોટા ગેસ સિલિન્ડર, પાંચ નાના ગેસ સિલિન્ડર અને હાઈટેક રીતે ગેસ રિફિલિંગ કરી શકાય તે રીતના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.
Reporter: News Plus