નવી દિલ્હી : વિદેશમાં રહેતો ભાઈ ૨૦ લાખ રૂપિયા સુધીની ભેટ મોકલે તો સ્વદેશમાં એટલે કે ભારતમાં રહેતા ભાઈને એને માટે કોઈ ટેક્સ ચૂકવવો નહી પડે. ઇન્કમ ટેક્સ અપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)ની મુંબઈ પીઠે આ વાત સ્વીકારી છે.
ટ્રિબ્યુનલનો આ ચુકાદો ઐતિહાસિક ગણાય છે. કારણ કે ભારતના ટેક્સ વિશેના કાયદા ભારતીયોને સગાંસંબંધીઓ પાસેથી ભેટસોગાદ મેળવવાની છૂટ આપે છે એ વાતને પીઠબળ મળ્યું છે. આવકવેરાના અધિનિયમ હેઠળ કોઈ સંબંધી કે સગાં પાસેથી મળેલી ૫૦,૦૦૦ રૂપિયા સુધીની ભેટને 'અન્ય સ્રોતોમાંથી થતી આવક' ગણવામાં આવે છે. આથી એમાંથી આવકવેરાના નિર્ધારિત ટકા પ્રમાણે વેરો વસૂલવામાં આવે છે.
જોકે કેટલાક કિસ્સામાં લગ્ન અને વારસામાં મળેલી સંપત્તિ પર અંગત સંબંધીઓ પાસેથી મળતી ભેટ કે પ્રસાદને કરમુક્ત કરવામાં આવી છે.એ. સલામ નામની વ્યક્તિના કેસમાં ટ્રિબ્યુનલે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. એ પ્રમાણે આવકવેરા અધિનિયમની કલમ ૫૬(૨)(X) ભાઈ પાસેથી મળતી ભેટસોગાદને કરમાંથી મુક્તિ આપે છે. એ. સલામના ભાઈ પચીસ વર્ષથી દુબઈ રહે છે અને તેમણે બેન્ક ઓફ બરોડા અને ICICI બેન્કના ત્રણ ચેકથી રકમ મોકલી હતી. આ પુરવાર કરવા માટે સલામે દુબઈનિવાસી ભાઈનાં બેન્ક- સ્ટેટમેન્ટ, પાસપોર્ટ અને રોકાણકાર વીઝા જમા કરાવ્યા હતા. તમામ પુરાવાને ધ્યાનમાં લીધા પછી ITATના સભ્ય પ્રશાંત મહર્ષિએ તારણ કાઢ્યું કે એ. સલામને ભેટ તરીકે મળેલા ૨૦ લાખ રૂપિયા કરપાત્ર નથી.
Reporter: admin