મોરબીના મોતના ઝૂલતા પુલ થી શરૂ કરી વડોદરાના લેક ઝોનમાં જળ તાંડવ અને ત્યાં થી રાજકોટના ટી.આર.પી. ઝોનનું લાક્ષાગૃહ..આ ત્રણેય ઘટનાઓ નો સાર ટુંકમાં કેવી રીતે આપી શકાય.? આ રીતે આપી શકાય..કમાણીની ભૂખ..ઉજવણીની અને ઉજાણીની ઉતાવળ અને જિંદગીઓ બની ભૂતાવળ.બસ આટલા શબ્દો મોતના આ ત્રણેય તાંડવ ના કારણ અને પરિણામના વર્ણન માટે પૂરતા છે.કમાણીની ઉતાવળ કોને હતી? જેણે આ ત્રણ માળનું તોતિંગ લાક્ષાગૃહ બનાવ્યું એને.એના મનમાં કદાચ એકજ ધૂન સવાર હતી કે કમાણીની રિઝર્વ બેંક ખોલી દઉં.અને એણે ખોલી દીધી.લોકો ટોળે વળવા લાગ્યા.અને ટોળા પાસે વિચારવાની શક્તિ ક્યાં હોય છે? ગેમ ઝોનની ટિકિટ બારી ટંકશાળ બની.સળગી ઊઠે એવા પદાર્થો ની બનેલી વિવિધ ગેમ એક તણખલા ની રાહ જોતી હતી.
એ તણખલા એ બધું ભસ્મીભૂત કરી નાંખ્યું.માત્ર માલીક ની ભૌતિક સંપત્તિઓ બળી ગઈ હોત તો વસવસો કરવાનો કોઈ સવાલ ન હતો.માલિક નું કર્યું માલિક ભોગવે.પણ અહીં તો તેની સાથે અબાલવૃદ્ધ જિંદગીઓ હોમાઈ ગઈ.દુઃખ એનું છે.કમાણીની બીજી ભૂખ કોને હતી? તંત્રના અધિકારીઓ ને.કર્મચારીઓ ને. એમણે આ લક્ષાગૃહ તરફ નજર નાંખી જ નહિ અથવા રહેમ નજર રાખીને વળતર મેળવી લીધું. આ વિસ્તારમાં નગરસેવકો હશે,અગ્રણીઓ અને કાર્યકરો હશે,કોઈના વિધાનસભા ક્ષેત્રમાં કે લોકસભા ક્ષેત્રમાં આ સુવિધા આવતી હશે.આટલો મોટો એટમ બોમ્બ એમની નજરે ના ચઢ્યો કારણ કે લાગવગશાહી કે લોભ લાલચના પાટા બધી આંખે બંધાયેલા હશે.અને ઉજાણી ની ઉતાવળ પ્રજાને હતી.મનોરંજન સસ્તું થયું એટલે બાળ બચ્ચાની સલામતી ગઈ તેલ લેવા.. એ ટોળેટોળાં ઉમટી જ પડ્યા.મોરબીમાં પણ આ જ થયું હતું.અને લેક ઝોનમાં પણ કમાણી અને ઉજવણીની ઉતાવળ જવાબદાર હતી.અનિયંત્રિત ભીડ અનિષ્ટ ને આમંત્રણ આપે છે. તમામ ઘટનાઓમાં એવું જ થયું છે. ગેમ ઝોનમાં વિધિસરની ઘણી બધી પરવાનગીઓ લેવામાં આવી ન હોવાની પ્રારંભિક શંકા વ્યક્ત કરવામાં આવી હતી.તો પણ તંત્રની આંખે આ સુવિધા અને તેની ખામીઓ ના દેખાય.વડોદરાના લેક ઝોનનું ઉદઘાટન ખૂબ જવાબદાર લોકોએ કર્યું હતું.મોરબીના ઝૂલતા પુલનું ઉદઘાટન સંચાલકો એ જાતે જ કરી નાંખ્યું.ગેમ ઝોનના ઉદઘાટક પણ પ્રતિષ્ઠિત લોકો જ હશે. શું આ ઉદ્ઘટકો એ આમંત્રણ સ્વીકારે ત્યારે સલામતીના પગલાં,વિવિધ પરવાનગીઓ જેવી બાબતે પૂછપરછ ન કરવી જોઈએ? પરવાનગી પત્રો ન જોવા જોઈએ.ના,ઉદઘાટન તો મફત પ્રચારનો અવસર છે.એટલે બધાએ તક ઝડપી લીધી.આ ઘટનાઓ માટે કોઈ એકલ દોકલની નહિ સામૂહિક જવાબદારી છે.પોતાના સંતાનો ને લઈને જે જગ્યાએ જાવ છો એ જગ્યા કેટલી સલામત છે એનો પહેલો વિચાર વાલીઓ એ કરવો જોઈએ.પણ ઉજવણી ની ઉતાવળ માં હમેશા પ્રાથમિક તકેદારીઓ ભૂલાય છે.અને એનો અંજામ ઝૂલતો પુલ,લેક ઝોન કે ગેમ ઝોનની હોનારત બનીને રડાવે છે.
.ગેમ ઝોને ૨૮ જિંદગીઓ ની ગેમ કરી નાંખી પણ પૂર્વ કે ભાવિ સાંસદ ઘટના સ્થળે પહોંચ્યા ની ખબર મળતી નથી.રાજકોટમાં ગેમ ઝોને નામ પ્રમાણે ૨૮ જિંદગીઓ ની ખરેખર ગેમ કરી નાંખી.રાજકોટની શેરીઓ હિબકે ચઢી છે.પણ રાજકોટના પૂર્વ કે ભાવિ,કોઈ સાંસદ ઘટના સ્થળે પહોંચ્યા ના એટલિસ્ટ મીડિયામાં કોઈ અહેવાલ નથી.કોઈનું શોક નિવેદન ધ્યાનમાં આવ્યું નથી.અમારી ભૂલ થતી હોય તો માફ કરજો.રાજકોટના ભાવિ સાંસદ યા તો પૂર્વ કેન્દ્રીય અને રાજ્ય મંત્રી હશે અથવા પૂર્વ ધારાસભ્ય હશે.એવું લાગે છે કે ચૂંટાશું કે નહિની કશ્મકશ હશે એટલે ત્યાં જવું કે ન જવું નો વિચાર કરતા હશે.જો કે પહોંચે તો સારું લાગે.કારણ કે બંને પાસે નેતાગીરી નો ભૂતકાળ તો છે જ.દુઃખ વ્યક્ત કરતું નિવેદન પણ કરી શકે.કદાચ કોઈ કારણસર થોભો અને રાહ જુવો ની નીતિ અપનાવી હશે!! રામ જાણે....
Reporter: News Plus